<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

ઓક્‍ટોબરમાં જ ૨૯,૮૨૨ મેગાવોટઃ વીજળીની માંગે તોડયો અત્‍યાર સુધીનો રેકોર્ડ

વીજળીની ઊંચી માંગ હવે માત્ર ઉનાળાની ઋતુ સુધી મર્યાદિત રહી નથી : રાજ્‍ય સરકાર કેન્‍દ્ર પાસેથી સેન્‍ટ્રલ ગ્રીડમાંથી વધુ વીજળી અને કોલસાની માગણી કરશેઃ ૨૦૨૭માં રાજ્‍યની મહત્તમ વીજળીની જરૂરિયાત ૩૨,૫૦૦ મેગાવોટને પણ વટાવી શકે

નવી દિલ્‍હી તા. ૧૭ : ઉદ્યોગોનો સતત વિસ્‍તાર, કોમર્શિયલ વપરાશમાં વધારો અને ઘરોમાં વીજળીની વધતી જરૂરિયાત વચ્‍ચે ગુજરાતમાં વીજળીની માગે નવો વિક્રમ સર્જ્‍યો છે. ઉનાળાની ટોચની માગને પણ પાછળ છોડીને ઓક્‍ટોબરમાં વીજળીની જરૂરિયાત ૨૯,૮૨૨ મેગાવોટની સર્વોચ્‍ચ સપાટીએ પહોંચી છે. આગામી સમયમાં ડેટા સેન્‍ટરો અને આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ  આધારિત કમ્‍પ્‍યુટિંગને કારણે વીજળીની માગમાં વધુ મોટો વધારો થવાની શક્‍યતા છે. આ વધતી જરૂરિયાતને પહોંચી વળવા ગુજરાત સરકારે કેન્‍દ્ર પાસેથી વીજળીના વધુ હિસ્‍સા સાથે વધારાના કોલસાના પુરવઠાની માગ કરવાની તૈયારી શરૂ કરી છે.

ગુજરાતમાં વીજળીની માગમાં થયેલો વધારો હવે માત્ર ઉનાળાના મહિનાઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી. ઓક્‍ટોબરમાં નોંધાયેલી માગ જૂન મહિનામાં નોંધાયેલા અત્‍યાર સુધીના ટોચના સ્‍તર કરતાં પણ વધી ગઈ છે. વર્ષ ૨૦૨૯ પછી ડેટા સેન્‍ટરો અને એઆઈ કમ્‍પ્‍યુટિંગને કારણે વીજળીની માગનો નવો મોટોસ્ત્રોત ઊભો થવાની પણ અપેક્ષા છે.

રાજ્‍યની વધતી વીજળીની જરૂરિયાત અને સંભવિત પુરવઠાની ખાધને ધ્‍યાનમાં રાખીને ગુજરાત સરકારે કેન્‍દ્ર સરકારનાં મંત્રાલયો સાથે સંકલન શરૂ કર્યું છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે જણાવ્‍યું હતું કે  કેન્‍દ્રીય વીજ મંત્રાલયને ગ્રીડમાંથી વધુ વીજળીનો હિસ્‍સો ફાળવવા વિનંતી કરી છે. વધારાનો કોલસો મેળવવા માટે કોલસા મંત્રાલયનો પણ સંપર્ક કર્યો છે. તાજેતરના વલણને જોતાં આગામી મહિનાઓમાં અને ઉનાળાની ઋતુ દરમિયાન વીજળીની માગ ઊંચી રહેવાની અપેક્ષા છે. અવિરત વીજ પુરવઠો સુનિヘતિ કરવા માટે અમે અગાઉથી આયોજન શરૂ કરી દીધું છે.

વર્ષ દરમિયાન ગુજરાતમાં વીજળીની માગમાં તીવ્ર વધારો નોંધાયો છે. જૂન મહિનામાં વીજળીની ટોચની માગ ૨૬,૮૩૪ મેગાવોટથી ૨૮,૮૩૩ મેગાવોટની વચ્‍ચે રહી હતી, જે ઓક્‍ટોબરમાં વધીને ૨૯,૮૨૨ મેગાવોટ સુધી પહોંચી ગઈ હતી. જે દર્શાવે છે કે વીજળીની ઊંચી માગ હવે માત્ર ઉનાળાની ટોચની ઋતુ સુધી મર્યાદિત રહી નથી.

આંકડા મુજબ, જૂન ૨૦૨૬માં ગુજરાતમાં વીજળીનો વપરાશ ૫૮૬ મિલિયન યુનિટ (MU) નોંધાયો હતો, જે જૂન ૨૦૨૫માં નોંધાયેલા ૫૨૯ મિલિયન યુનિટ કરતાં વધુ હતો. આ આંકડા અનુક્રમે અગાઉના અને તાજેતરના નોંધાયેલા સ્‍તરને દર્શાવે છે.

અધિકારીઓના મતે, ઉદ્યોગોના વિસ્‍તરણ અને ઘરોમાં વીજળીના વપરાશમાં સતત વધારાને કારણે માગમાં વૃદ્ધિ થઈ રહી છે. ગુજરાતમાં છેલ્‍લા પાંચ વર્ષ દરમિયાન વીજળીની માગનો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર આશરે ૧૨ ટકા રહ્યો છે, જ્‍યારે છેલ્‍લા ત્રણ વર્ષમાં તે લગભગ ૧૦ ટકા નોંધાયો છે. આયોજનકારોનું અનુમાન છે કે આગામી વર્ષે વીજળીની ટોચની માગમાં વધુ ૧૦ ટકાનો વધારો થઈ શકે છે. પરિણામે, વર્ષ ૨૦૨૭માં રાજ્‍યની મહત્તમ વીજળીની જરૂરિયાત ૩૨,૫૦૦ મેગાવોટને પણ વટાવી શકે છે. નકશાજુઓ

બીજી તરફ, ઔદ્યોગિક સંગઠનોએ ઉત્‍પાદન ક્ષેત્રનાં ક્‍લસ્‍ટરોમાં વીજ પુરવઠો ખોરવાવાની ઘટનાઓ અંગે ચિંતા વ્‍યક્‍ત કરી છે. સાણંદ અને દહેજ જેવા ઔદ્યોગિક વિસ્‍તારોમાં વીજ પુરવઠામાં વિક્ષેપ પડ્‍યાના કિસ્‍સા સામે આવ્‍યા છે. સાણંદ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનના એક હોદ્દેદારે જણાવ્‍યું હતું કે, ઔદ્યોગિક વસાહતમાં આવેલા સૂક્ષ્મ, લઘુ અને મધ્‍યમ ઉદ્યોગો માટે અમને અવિરત વીજ પુરવઠો જોઈએ છે.

રાજ્‍ય સરકાર આગામી વર્ષોમાં ડેટા સેન્‍ટરો અને એઆઈ આધારિત કમ્‍પ્‍યુટિગને કારણે વીજળીની માગમાં થનારા વધુ વધારા માટે પણ તૈયારી કરી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું હતું કે ડેટા સેન્‍ટર અને એઆઈ ક્ષેત્રના ઝડપી વિકાસની અસર વર્ષ ૨૦૨૯ પછી સ્‍પષ્ટ દેખાવા લાગશે. આ ક્ષેત્રને કારણે વર્ષ ૨૦૩૦થી સતત પાંચ વર્ષ સુધી દર વર્ષે આશરે ૧,૫૦૦ મેગાવોટ જેટલી વધારાની વીજળીની માગ ઊભી થઈ શકે છે.

(3:10 PM IST)