તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
પંજાબમાં ૨૮ ધારાસભ્યો ‘‘આપ'' છોડી શકે છેઃ માન સરકારનો ઘડો લાડવો કરવા તૈયારી
‘‘આપ''માં આંતરિક વિખવાદ ચરમસીમાએ : કેજરીવાલ - સિસોદીયા વચ્ચે બેઠકોના દોર

નવી દિલ્હી તા.૨૫: રાઘવ ચઢ્ઢા સહિત સાત રાજ્યસભા સાંસદોના ભાજપમાં જવાથી પંજાબના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના હરિયાણા રાજ્યના ભૂતપૂર્વ પ્રમુખ નવીન જયહિંદે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે આગામી દિવસોમાં પંજાબના અંદાજે ૨૮ ધારાસભ્યો પણ પાર્ટી છોડી શકે છે. આનાથી પંજાબમાં વર્તમાન સરકાર માટે ખતરો ઉભો થયો છે. તેમનું કહેવું છે કે પાર્ટીમાં અસંતોષ વધી રહ્યો છે.
જયહિંદે કહ્યું કે પાર્ટી છોડી ગયેલા ઘણા સાંસદો સાથે અગાઉ દુર્વ્યવહાર, હુમલો અને દબાણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના પાર્ટીની અંદર ગંભીર આંતરિક સંઘર્ષને કારણે છે. જયહિદના ૨૮ ધારાસભ્યોના દાવાથી પંજાબના રાજકારણનું તાપમાન વધુ ગરમાયું છે. તેમના નિવેદન બાદ, પંજાબના રાજકારણમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
આમ આદમી પાર્ટીમાં ગતિવિધિઓ વધી ગઈ છે. આપના પંજાબ પ્રભારી મનીષ સિસોદિયા ગઈકાલે ગુજરાતથી પાછા ફર્યા હતા અને દિલ્હી એરપોર્ટથી સીધા આપના સુપ્રીમો અરવિદ કેજરીવાલને મળવા ગયા હતા. પંજાબના મંત્રી ડો. બલબીર સિહ શનિવારે સવારે દિલ્હીમાં સિસોદિયાને મળ્યા હતા. ડો. બલબીર સિહે કહ્યું હતું કે ભાજપ પંજાબમાં ઓપરેશન લોટસ ચલાવી રહ્યું છે. સાંસદોએ પંજાબ સાથે દગો કર્યો.
પંજાબના નાણામંત્રી હરપાલ ચીમાએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં રાજ્યસભાના અધ્યક્ષને એક પત્ર સુપરત કરશે જેમાં રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલનું પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ સભ્યપદ સમાપ્ત કરવાની માંગ કરવામાં આવશે. સાંસદ સંજય સિહ આ સંદર્ભમાં ઉપરાષ્ટ્રપતિને એક મેમોરેન્ડમ સુપરત કરશે. ચીમાએ જણાવ્યું હતું કે માત્ર ત્રણ સાંસદો ભાજપમાં જોડાયા છે. બે સાંસદો, સ્વાતિ માલીવાલ અને રાજિન્દર ગુપ્તાની સહીઓ બનાવટી બનાવવામાં આવી છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
