<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

૯/૧૧ના ૨૫ વર્ષ બાદ અમેરિકન એરપોર્ટ પર પરત ફર્યા જૂના દિવસો: હવે ટિકિટ વગર પણ ગેટ સુધી જઈ શકાશે પોતાના સ્વજનો સાથે!

વિશ્વના અગ્રણી એરપોર્ટ્સ પર 'ગેટસાઇડ' કાર્યક્રમ શરૂ: TSA પ્રી-ચેક સભ્યો માટે એરપોર્ટ પર મુસાફરી વગર પણ સુરક્ષિત વિસ્તારમાં પ્રવેશ મેળવવો બન્યો સરળ.

વોશિંગ્ટન, તા.૧૧: ઈતિહાસની સૌથી મોટી સુરક્ષા વિપદાઓમાં ગણાતી 9/11ની કરૂણ ઘટનાને અરેરાટીભર્યા અઢી દાયકા વીતી ચૂક્યા છે. એ ભયાનક હુમલા પછી વિશ્વભરની એરપોર્ટ સુરક્ષામાં જે લોખંડી દીવાલો ખડી થઈ ગઈ હતી, તેમાં હવે ધીમે-ધીમે ગાબડાં પડવા લાગ્યા છે. અમેરિકાની ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન (TSA) દ્વારા એક અત્યંત રોમાંચક અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી વિમાન મુસાફરીના સુવર્ણકાળની યાદો તાજી થઈ ગઈ છે. હવે મુસાફરી ન કરતા સામાન્ય નાગરિકો કે સ્વજનો પણ પોતાની ફ્લાઇટ પકડ્યા વગર જ પોતાના પરિવારજનોને સીધા એરપોર્ટના ગેટ સુધી મૂકવા જઈ શકશે.

આ ક્રાંતિકારી પહેલ પાછળ 'ગેટસાઇડ બાય TSA પ્રી-ચેક' નામનો નવો વિશેષ કાર્યક્રમ કામ કરી રહ્યો છે. આ યોજના હેઠળ હવે પાત્રતા ધરાવતા પ્રી-ચેક સભ્યોને ટિકિટ કે બોર્ડિંગ પાસ વગર એરપોર્ટના સુરક્ષિત ગેટ વિસ્તારોમાં એન્ટ્રી આપવામાં આવશે. 9/11 પછીના કડક નિયમોના કારણે જે દરવાજા સામાન્ય લોકો માટે દાયકાઓથી બંધ કરી દેવાયા હતા, તે હવે ફરીથી ખૂલ્યા છે. આ સુવિધા માત્ર વિદાય આપવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ આગમન સમયે સ્વાગત કરવા, બે ફ્લાઇટ વચ્ચેના લાંબા સમય (લેઓવર) દરમિયાન મિત્રોને મળવા તથા એરપોર્ટની અંદર આવેલી પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સ અને શોપિંગ મોલનો આનંદ માણવા માટે પણ ખુલ્લી મુકવામાં આવી છે.

આ અનોખી સુવિધાનો લાભ લેવા માટે મુલાકાતીઓએ એરપોર્ટ પર જવાના આયોજિત સમયના એકથી ત્રણ દિવસ અગાઉ ઓનલાઇન અરજી કરીને અગાઉથી મંજૂરી મેળવવી અનિવાર્ય છે. ખાસ વાત એ છે કે આ સેવા તદ્દન મફત છે અને મંજૂર થયેલો પાસ આખો દિવસ માન્ય રહે છે. પ્રારંભિક તબક્કામાં આ સુવિધા અમેરિકાના પસંદગીના ૧૩ મોટા એરપોર્ટ્સ પર જ શરૂ કરવામાં આવી છે, જેમાં લોસ એન્જલસ (LAX), ડલ્લાસ-ફોર્ટ વર્થ, અને લાસ વેગાસના હેરી રીડ ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવા નામાંકિત મથકોનો સમાવેશ થાય છે. આવનારા દિવસોમાં આ સુવિધાનો વ્યાપ સમગ્ર દેશના અન્ય એરપોર્ટ્સ પર પણ વધારવામાં આવશે, જે લાંબા અંતરના પ્રવાસીઓ માટે કોઈ ખુશખબરથી કમ નથી.

(4:08 PM IST)