<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

૨૫ લગ્ન-કરોડોની ઠગાઈઃ યુપીનાં MLAની પુત્રીને પણ ફસાવી

ગઠિયાએ જાણીતા રિયલ એસ્‍ટેટ બિઝનેસમેન તરીકે ઓળખ આપી ધારાસભ્‍યના પુત્ર સાથે લગ્ન કર્યા : ધારાસભ્‍ય જ્ઞાન તિવારીની ફરિયાદ પછી અનુજ ત્રિવેદી અને પુત્ર પ્રખરની ધરપકડ

સીતાપુર તા.૧૦: ઉત્તરપ્રદેશના સીતાપુરમાં નકલી ઓળખ આપીને ૨૫ મહિલાઓ સાથે લગ્ન અને કરોડોની છેતરપિડીનો એક ચોંકાવનારો મામલો બહાર આવ્‍યો છે. આ મહાગઠ પિતા-પુત્રની જોડીએ ભાજપના પારાસભ્‍ય જ્ઞાન તિવારીની પુત્રીને પણ ભોગ બનાવી છે અને ધારાસભ્‍યે ફરિયાદ દાખલ કર્યા પછી તેમની ધરપકડ કરાઈ છે.

ધારાસભ્‍ય જ્ઞાન તિવારીએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની પુત્રીને એક એવા ઠગ સાથે લગ્ન કરાવીને છેતરવામાં આવી હતી, જેણે કથિત રીતે ખોટી ઓળખનો ઉપયોગ કરી લગભગ ૨૫ મહિલાઓ સાથે લગ્ન કર્યા હતાં અને તેમની સાથે છેતરપિડી કરી હતી. ફરિયાદના આધારે પોલીસે અનુજ ત્રિવેદી અને તેના પુત્ર પ્રખર ત્રિવેદીની ધરપકડ કરી છે.

રેઉંસા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તિવારીની પુત્રી પ્રશાએ ૨૦૨૪માં અનુજ ત્રિવેદીના પુત્ર પ્રખર ત્રિવેદી સાથે લગ્ન કર્યા હતાં. પ્રખર મિશ્રીખના ચંદ્રાવલનો રહેવાસી છે. ધારાસભ્‍યનો આરોપ છે કે લગ્ન પહેલાં અનુજ ત્રિવેદીએ પોતાને મુંબઈના જાણીતા રિયલ એસ્‍ટેટ બિઝનેસમેન ઓળખ આપી હતી અને પોતાનો કથિત ગુનાઈત ઇતિહાસ તથા અગાઉના કેસો છુપાવ્‍યા હતાં. સ્‍થાનિક સ્‍તરે તપાસ અને વિસ્‍તારના પ્રભાવશાળી લોકો પાસેથી સારા પ્રતિસાદ મળ્‍યા પછી લગ્ન નક્કી કરાયા હતાં. પરંતુ લગ્નના લગભગ અઢી વર્ષ બાદ પરિવારને સોશિયલ મીડિયા અને અન્‍ય માધ્‍યમો દ્વારા પ્રખર ત્રિવેદીની કથિત પ્રવૃત્તિઓ અંગે માહિતી મળી હતી.

તિવારીએ આરોપ મૂક્‍યો છે કે, પ્રખરે મહારાષ્ટ્ર સહિતના અલગ-અલગ રાજ્‍યોમાં ખોટી ઓળખ આપીને સંબંધોમાં ફસાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. પ્રખરલગભગ ૨૫ લગ્નો કર્યાં છે. ધારાસભ્‍યે જણાવ્‍યું હતું કે તેમણે આરોપી પરિવાર સાથેના તમામ સામાજિક અને અંગત સંબંધો તોડી નાખ્‍યા છે અને પોતાની પુત્રીને પરત ઘરે લઈ આવ્‍યા છે. આ સમગ્ર ઘટનાથી તેમના પરિવારને માનસિક આઘાત લાગ્‍યો છે અને જાહેર પ્રતિનિધિ તરીકે તેમની સામાજિક પ્રતિષ્ઠાને પણ અસર થઈ છે.

તિવારીની ફરિયાદ બાદ રેઉસા પોલીસે અનુજ ત્રિવેદી વિરુદ્ધ છેતરપિડીના આરોપસર કેસ નોંધ્‍યો છે અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં તિવારીએ આરોપ મૂક્‍યો હતો કે, તેમના પરિવારસાથે છેતરપિંડી કરવામાં આવી છે અને અનુજ ત્રિવેદીને મૃત્‍યુદંડ સુધીની કડક સજા કરવી જોઈએ. જો તેમના જમાઈ પ્રખર ત્રિવેદી પણ દોષિત સાબિત થાય, તો તેની સામે પણ કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ

(9:52 AM IST)