તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
૨૩ વર્ષીય યુવા વકીલ અસ્મી પંજાબ અને હરિયાણા બાર કાઉન્સિલના ઇતિહાસમાં બન્યા અત્યાર સુધીના સૌથી યુવા સભ્ય
દેશની કોઈપણ સ્ટેટ બાર કાઉન્સિલમાં જનરેશન ઝેડમાંથી ચૂંટાયેલા પ્રથમ મહિલા સભ્ય બનીને અસ્મીએ રચ્યો નવો ઇતિહાસ, બિનહરીફ વિજય મેળવ્યો.

ચંદીગઢ : પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ક્ષેત્રમાંથી કાનૂની જગતને ગૌરવ અપાવતી એક અત્યંત પ્રેરણાદાયી ઘટના સામે આવી છે, જ્યાં મંગળવારે ૨૩ વર્ષીય યુવા વકીલ અસ્મી પંજાબ અને હરિયાણા બાર કાઉન્સિલના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ સાથે તેઓ દેશભરની કોઈપણ સ્ટેટ બાર કાઉન્સિલના ઇતિહાસમાં સૌથી નાની વયના સભ્ય બનવાની સાથે 'જનરેશન ઝેડ' (Gen-Z) માંથી સ્ટેટ બાર કાઉન્સિલમાં સ્થાન મેળવનાર પ્રથમ સભ્ય બનવાનું અદ્ભુત ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મિંડરજીત યાદવની પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક થવાથી ખાલી પડેલી બેઠક (કેઝ્યુઅલ વેકેન્સી) માટે અસ્મી દ્વારા સભ્ય પદ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. સોમવારે ઉમેદવારી પત્ર ભરવાની મુદત પૂરી થઈ ત્યાં સુધી અન્ય કોઈ ઉમેદવાર સામે ન આવતા, રિટર્નિંગ ઓફિસર પ્રદીપ પરમાર દ્વારા મંગળવારે તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
આ ઐતિહાસિક પસંદગી બાદ બાર કાઉન્સિલના ચેરમેન અમિત રાણા, વાઈસ-ચેરમેન શર્મિલા શર્મા, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્ય કરણજીત સિંહ સહિતના અનેક અગ્રણી કાનૂની નિષ્ણાતો તથા પદાધિકારીઓએ વિશેષ ઉપસ્થિત રહીને યુવા વકીલ અસ્મીને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.
અસ્મીના આ બિનહરીફ વિજય સાથે જ પંજાબ અને હરિયાણા બાર કાઉન્સિલમાં મહિલા સભ્યોનું પ્રતિનિધિત્વ તમામ સ્ટેટ બાર કાઉન્સિલોની સરખામણીમાં સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે, જે ભારતીય ન્યાય વ્યવસ્થામાં મહિલા સશક્તિકરણની દિશામાં એક ખૂબ જ મોટું અને સીમાચિહ્નરૂપ પગલું સાબિત થયું છે.
કાનૂની વ્યવસાયમાં યુવા પ્રતિભાઓ અને મહિલાઓની વધતી જતી સક્રિય ભાગીદારી દર્શાવતી આ ઘટના સમગ્ર દેશના યુવા વકીલો માટે એક નવો રાહ ચીંધનાર સાબિત થઈ રહી છે. બારના સંચાલન અને વહીવટમાં આ એક પેઢીગત પરિવર્તન (Generational Shift) નો સ્પષ્ટ સંકેત માનવામાં આવી રહ્યો છે, જે ભવિષ્યમાં ન્યાય પ્રણાલીને વધુ ગતિશીલ બનાવશે.
આ ભવ્ય સફળતા બાદ હવે આગામી સમયમાં અસ્મી બાર કાઉન્સિલના સભ્ય તરીકે વકીલોના કલ્યાણ, ન્યાયિક સુધારાઓ અને વ્યાવસાયિક હકોના રક્ષણ માટે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ સિદ્ધિથી સમગ્ર કાનૂની જગતમાં અને યુવા વર્ગમાં ભારે ઉત્સાહ તથા ખુશીની લહેર જોવા મળી રહી છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
