<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

ઇન્ટરનેટ પર છવાયો ૨૦ વર્ષનો રીઅલ 'હીરો': એકલા હાથે જ ગંદકીથી ખદબદતી અજનાર નદીને કરી સંપૂર્ણ સાફ, લોકો બિટ્ટુ તાબાહીની દેશભક્તિને કરી રહ્યા છે સલામ!

કોઈ સરકારી મદદ કે મશીનરી વગર મધ્યપ્રદેશના રાજગઢના યુવકે હાથ ધર્યું સ્વચ્છતા અભિયાન: ત્વચામાં ઈન્ફેક્શન થયું છતાં હાર ન માની, નદીના 'બિફોર-આફ્ટર' વીડિયો વાયરલ

રાજગઢ : સોશિયલ મીડિયા પર જ્યારે મોટાભાગના કન્ટેન્ટ ક્રિએટર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માત્ર લાઈક્સ અને ફોલોઅર્સ માટે જાતજાતના સ્ટંટ કરતા હોય છે, ત્યારે મધ્યપ્રદેશના ૨૦ વર્ષના એક યુવકે પોતાના અથાક પરિશ્રમથી સમાજ સમક્ષ પરિવર્તનનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 'બિટ્ટુ તાબાહી' નામના ઓનલાઈન આઈડીથી જાણીતા સુરેન્દ્ર સિંહ ચૌધરી નામના આ યુવકે કોઈપણ સરકારી સહાય કે મશીનરીની રાહ જોયા વિના એકલા હાથે જ કચરાથી ખદબદતી નદીને કાચ જેવા ચોખ્ખા પાણીમાં ફેરવી દીધી છે.

મહિનાઓની સખત મહેનત અને ત્વચાનું ઈન્ફેક્શન:

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બિયાઓરા સ્થિત અજનાર નદી પ્લાસ્ટિક, ગંદકી અને કચરાના ઢગલાથી ઢંકાયેલી હતી. વિદ્યાર્થી એવા સુરેન્દ્ર સિંહ ચૌધરી (બિટ્ટુ) એ જાન્યુઆરી ૨૦૨૬ માં આ નદીને સાફ કરવાનું બીડું ઝડપ્યું હતું. શરૂઆતમાં તે નદી સાફ કરવાનું મશીન બનાવવા માંગતો હતો, પરંતુ આર્થિક સંકટને કારણે તેણે પોતે જ નદીમાં ઉતરીને કચરો હટાવવાનું શરૂ કર્યું.

દૂષિત પાણી અને કચરા વચ્ચે સતત કામ કરવાને કારણે તેને ગંભીર ઈન્ફેક્શન થયું અને હાથ-પગની ત્વચા પણ ખરી પડવા લાગી હતી. છતાં તેણે પીછેહઠ ન કરી અને મહિનાઓની સખત મહેનત બાદ આખી નદીનો નકશો બદલી નાખ્યો.

AI અને પબ્લિસિટીના આરોપોનો આપ્યો જડબાતોડ જવાબ:

સોશિયલ મીડિયા પર નદીના સફાઈ પહેલા અને પછીના (Before & After) વીડિયો વાયરલ થતાં જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. શરૂઆતમાં કેટલાકે આ તસવીરોને 'AI જનરેટેડ' ગણાવી હતી તો કેટલાકે ફોલોઅર્સ વધારવાનો પબ્લિસિટી સ્ટંટ કહ્યો હતો. પરંતુ બિટ્ટુએ દરરોજના દૈનિક અપડેટ્સના વીડિયો શેર કરીને ટ્રોલ્સના મોં બંધ કરી દીધા હતા.

ઇન્સ્ટાગ્રામ પર ૩ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા આ યુવકની કામગીરી જોઈને લોકો હવે તેને વાસ્તવિક જીવનનો 'હીરો' કહી રહ્યા છે અને સરકારી તંત્ર સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે.

(8:07 PM IST)