<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

દિલ્હીમાં ૨૦ લાખ ઝૂંપડપટ્ટીવાસીઓને મળશે કાયમી ઘર, રેખા ગુપ્તા સરકારે નવી પુનર્વસન નીતિ જાહેર કરી

દિવાળી નિમિત્તે દિલ્હી સરકારે 'ઝૂંપડપટ્ટી પુનર્વસન નીતિ ૨૦૨૬' સૂચિત કરી ૨૫ ચોરસ મીટરના વન-બીએચકે ફ્લેટ ફાળવવાની કરી મહત્વની જાહેરાત

નવી દિલ્હી, તા.૦૫: દિવાળીના શુભ પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની ભાજપ સરકારે રાજધાનીના ઝૂંપડપટ્ટીવાસીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેતા નવી પુનર્વસન નીતિની જાહેરાત કરી છે. ૪ નવેમ્બરના રોજ દિલ્હી ગેઝેટમાં સત્તાવાર રીતે પ્રકાશિત કરવામાં આવેલી "દિલ્હી ઝૂંપડપટ્ટી પુનર્વસન અને પુનર્વસન નીતિ, ૨૦૨૬" અંતર્ગત આશરે ૬૭૫ ઝૂંપડપટ્ટીઓમાં રહેતા ૨૦ લાખ લોકોને કાયમી પક્કા ઘર પૂરા પાડવામાં આવશે. સરકારી જમીનો પરથી અતિક્રમણ દૂર કરવા અને ગરીબ પરિવારોને સન્માનજનક જીવન આપવાના ઉદ્દેશ્યથી અમલી બનાવાયેલી આ નીતિ હેઠળ ૧ જાન્યુઆરી, ૨૦૨૫ પહેલાં સ્થાયી થયેલા પાત્ર પરિવારોને ૨૫ ચોરસ મીટરના કાર્પેટ એરિયા ધરાવતા ૧-BHK ફ્લેટ ફાળવવામાં આવશે.

આ નવી પુનર્વસન નીતિ હેઠળ લાભાર્થીઓએ વૈકલ્પિક આવાસ માટે શરૂઆતના પાંચ વર્ષ માટે રૂ. ૧.૫ લાખ અને કોમન એરિયાની જાળવણી માટે રૂ. ૫૦,૦૦૦નું યોગદાન આપવાનું રહેશે. ફાળવવામાં આવનારા ૨૫ ચોરસ મીટરના વન-બીએચકે ફ્લેટમાં એક બેડરૂમ, લિવિંગ રૂમ, રસોડું, બાથરૂમ, શૌચાલય અને બાલ્કનીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, રહેવાસીઓએ વીજળી, પાણી અને મિલકત સંબંધિત જરૂરી ચાર્જ ચૂકવવાના રહેશે.

સરકારે પાત્રતા માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જે મુજબ માત્ર ૧ જાન્યુઆરી, ૨૦૨૫ પહેલાં ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા ૧૮ વર્ષથી વધુ વયના ભારતીય નાગરિકો જ આ યોજનાનો લાભ લઈ શકશે. અરજદારનું નામ ૧ જાન્યુઆરી, ૨૦૨૫ પહેલાં અને સત્તાવાર સર્વેક્ષણ વાળા વર્ષની મતદાર યાદીમાં હોવું અનિવાર્ય છે. ઓળખની ચકાસણી માટે રેશનકાર્ડ, વીજળી બિલ, પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાયસન્સ જેવા ૧૦ નિર્ધારિત દસ્તાવેજોમાંથી ઓછામાં ઓછું એક દસ્તાવેજ અને આધાર આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જ્યારે કાયમી ઘર ધરાવતા કે સરકારી કર્મચારીઓને આમાંથી બાકાત રખાયા છે.

નીતિમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે 'એક પરિવાર, એક ઘર'ના નિયમ હેઠળ જ ફાળવણી થશે, પરંતુ અલગ-અલગ માળ પર રહેતા પરિવારો સ્વતંત્ર દસ્તાવેજો સબમિટ કરીને અલગ પાત્રતા મેળવી શકશે. લાભાર્થીઓને પ્રાથમિકતાના ધોરણે વર્તમાન સ્થળની નજીક અથવા ૩ કિલોમીટરના વિસ્તારમાં જ પુનઃસ્થાપિત કરાશે, પરંતુ સુરક્ષા અને આયોજનના કારણોસર જરૂર જણાય તો દિલ્હીમાં અન્યત્ર પણ ફ્લેટ ફાળવી શકાશે.

દુરૂપયોગ રોકવા માટે આ ફ્લેટ પર ૧૦ વર્ષનો લોક-ઈન પિરિયડ રાખવામાં આવ્યો છે, જે દરમિયાન તેને વેચી, ભાડે આપી કે પાવર ઓફ એટોર્ની દ્વારા ટ્રાન્સફર કરી શકાશે નહીં. શરૂઆતમાં આ ફ્લેટ લીઝહોલ્ડ ધોરણે આપવામાં આવશે અને ૧૦ વર્ષ પૂર્ણ થયા બાદ તમામ બાકી લેણાં ચૂકવાયેલા હશે તો તેને વિના મૂલ્યે માલિકી હક્કમાં રૂપાંતરિત કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે આ નવી નીતિ દિલ્હી શહેરી આશ્રય સુધારણા બોર્ડ (DUSIB) અધિનિયમ, ૨૦૧૦ હેઠળના જૂના માર્ગદર્શિકાઓનું સ્થાન લેશે. જો કોઈ અરજદાર અયોગ્ય ઠરે તો નિર્ણય મળ્યાના ૩૦ દિવસમાં ફ્લેટ ખાલી કરવાનો રહેશે અને ૧૮૦ દિવસની અંદર અપીલ દાખલ કરવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે, જે દિલ્હીના શહેરી વિકાસ અને ગરીબ કલ્યાણની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.

(4:51 PM IST)