<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

હરિદ્વારમાં હર કી પૌડી ખાતે ગંગાના ઝડપી પ્રવાહમાં તણાઈ રહેલા ૨ કાવડિયાઓને વોટર પોલીસે બચાવ્યા: ઉત્તરાખંડ પોલીસની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી

છેલ્લા ૪૮ કલાકમાં વિવિધ અકસ્માતોમાં ૬ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા બાદ તંત્ર એલર્ટ: સોશિયલ મીડિયા પર રેસ્ક્યૂ ઓપરેશનનો વિડીયો વાયરલ.

હરિદ્વાર : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઉત્તરાખંડના હરિદ્વારમાં દેશભરમાંથી લાખો કાવડિયાઓ ગંગાજળ લેવા માટે ઉમટી પડ્યા છે. આ દરમિયાન હરિદ્વારના પ્રખ્યાત હર કી પૌડી ઘાટ પર ગંગા નદીમાં સ્નાન કરતી વખતે ઊંડા પાણીમાં તણાઈ રહેલા બે યુવાન કાવડિયાઓને ઉત્તરાખંડ વોટર પોલીસના જવાનોએ પોતાની જીવના જોખમે ત્વરિત કાર્યવાહી કરીને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. પોલીસ કર્મચારીઓની આ બહાદુરી અને તત્પરતાને કારણે ઘાટ પર હાજર હજારો શ્રદ્ધાળુઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઉત્તરાખંડ પોલીસે આ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશનનો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરતા લખ્યું કે, "દરેક પગલે તમારી સુરક્ષા માટે અમે તૈનાત છીએ. ગંગા સ્નાન દરમિયાન ડૂબી રહેલા બે શ્રદ્ધાળુઓને વોટર પોલીસના જવાનોએ પોતાની સતર્કતા અને સાહસથી બચાવી લીધા છે." જોકે, છેલ્લા ૪૮ કલાકમાં અહીં બનેલી જુદી જુદી ઘટનાઓમાં ૬ કાવડિયાઓના મોત નીપજ્યા છે, જેમાં ૩૧ જુલાઈના રોજ સ્નાન કરતી વખતે ચાર સગીર તણાઈ ગયા હતા અને ૧ ઓગસ્ટે બહાદરાબાદ પાસે લોખંડનો ગર્ડર પડવાથી બે ભક્તોના મોત થયા હતા.
ઉલ્લેખનીય છે કે, શ્રાવણના પવિત્ર મહિનામાં યોજાતી કાવડ યાત્રા ભારતની સૌથી મોટી ધાર્મિક યાત્રાઓમાંની એક છે. લાખો શિવભક્તો ગંગાજીમાંથી પવિત્ર જળ ભરીને પગપાળા પોતાના વિસ્તારના શિવાલેયોમાં ભગવાન ભોળાનાથનો જળાભિષેક કરવા નીકળે છે. ઉત્તર ભારતમાં આ વર્ષે શ્રાવણ મહિનો ૩૦ જુલાઈથી શરૂ થઈ ચૂક્યો છે જે ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ચાલશે, જેને લઈને તંત્ર દ્વારા સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે.

(6:50 PM IST)