તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Tuesday, 14th April 2026
મુંબઈના ગોરેગાંવમાં મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન ડ્રગ ઓવરડોઝથી 2 લોકોના મોત : પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
નેસ્કો સેન્ટરમાં યોજાયેલ કોન્સર્ટમાં 3,000થી વધુ યુવાનો હાજર હતા : ડ્રગ્સ અને દારૂના સેવન બાદ ત્રણની તબિયત લથડી, બે યુવતીઓ અને એક યુવકને હોસ્પિટલ ખસેડાતા જેમાંથી યુવક અને એક યુવતીનું મોત, ત્રીજી યુવતીની હાલત ગંભીર

મુંબઈ તા.૧૪:ગોરેગાંવના નેસ્કો સેન્ટર ખાતે 11 એપ્રિલના રોજ યોજાયેલા એક લાઈવ મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ ઓવરડોઝથી બે લોકોના મોત થયા છે. પોલીસે આ પ્રકરણમાં કલ્પબલ હોમિસાઈડનો ગુનો નોંધીને કુલ 6 લોકોની ધરપકડ કરી છે. આ ઘટનાએ યુવાનોમાં વધતા ડ્રગ્સના વપરાશ અંગે ચિંતા ઊભી કરી છે.
મળતી માહિતી મુજબ, કોન્સર્ટમાં 3,000થી 4,000 જેટલા યુવાનો હાજર હતા. કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકોએ ભારે માત્રામાં દારૂ અને માદક દ્રવ્યોનું સેવન કર્યું હતું. ત્યારબાદ ત્રણ લોકોની તબિયત અચાનક બગડી હતી. બે યુવતીઓને જોગેશ્વરીની હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે ટ્રોમા કેર હોસ્પિટલમાં અને એક યુવકને ગોરેગાંવ પશ્ચિમની લાઇફલાઇન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. ટ્રોમા કેર હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ એક યુવતીની તબિયત ફરી લથડતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં સોમવારે બપોરે તેનું પણ મોત થયું હતું. બીજી યુવતી હજુ પણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
પ્રાથમિક તપાસમાં ડ્રગ ઓવરડોઝની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જોકે મોતનું ચોક્કસ કારણ મેડિકલ અને ફોરેન્સિક રિપોર્ટ બાદ જ સામે આવશે. મૃતકોના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલી દેવાયા છે.
વનરાઈ પોલીસે આ કેસમાં કાર્યક્રમ સાથે સંકળાયેલા લોકો સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ ત્રણ લોકોની ધરપકડ થઈ હતી. નેસ્કો તરફથી પણ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતું નિવેદન જારી કરવામાં આવ્યું છે. પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
