<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ કેસ: ગેંગસ્ટર અબુ સાલેમની વહેલી મુક્તિની અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

પોર્ટુગલ સાથેની પ્રત્યાર્પણ સંધિ હેઠળ ૨૫ વર્ષની જેલ સજા પૂર્ણ થયાનો અબુ સાલેમનો દાવો; કસ્ટડી ગણતરી અને રૂ. ૧૬.૫૧ લાખના દંડ મુદ્દે CBI નું કડક વલણ

મુંબઈ, તા.૨૭: ૧૯૯૩ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસના મુખ્ય આરોપી અને કુખ્યાત ગેંગસ્ટર અબુ સાલેમની વહેલી મુક્તિ (Premature Release) માટેની અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ અનામત રાખ્યો છે. પોર્ટુગલ સરકારે ભારત સાથે કરેલી પ્રત્યાર્પણ સંધિ (Extradition Treaty) ની શરતો હેઠળ ૨૫ વર્ષની સજાની મુદત પૂર્ણ થઈ ગઈ છે કે નહીં તે અંગે જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ નિર્ણય લીધો છે.
૨૫ વર્ષની જેલ સજાની ગણતરી પર ઘર્ષણ
અબુ સાલેમ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ઋષિ મલ્હોત્રાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે ભારતે પોર્ટુગલ સરકારને આપેલી ખાતરી મુજબ સાલેમની મહત્તમ જેલ સજા ૨૫ વર્ષથી વધી શકે નહીં. વકીલે દલીલ કરી હતી કે અંડરટ્રાયલ તરીકે વિતાવેલો સમય, જેલમાં સજા ભોગવવાનો સમય અને સારા વર્તન માટે મળતી માફીને ગણતરીમાં લેતા સલેમે ૨૪ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ ૨૫ વર્ષની કેદ પૂર્ણ કરી લીધી છે.
હાલ નાસિક રોડ સેન્ટ્રલ જેલમાં બંધ અબુ સલેમે પોતાની અરજીમાં ૧૧ વર્ષ અને ૧૦ મહિના અંડરટ્રાયલ તરીકે, આશરે ૧૦ વર્ષ દોષિત તરીકે અને ૩ વર્ષથી વધુની માફી (Remission) ને ઉમેરીને મુક્તિની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે બંને પક્ષકારોને એક અઠવાડિયાની અંદર લેખિત રજૂઆતો અને સહાયક ચુકાદાઓ દાખલ કરવા પરવાનગી આપી છે.
CBI નું સ્પષ્ટ વલણ: રૂ. ૧૬.૫૧ લાખનો દંડ ભરવો જ પડશે
બીજી તરફ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ ખાસ ટાડા (TADA) કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે વહેલી મુક્તિ અથવા ૨૫ વર્ષની સજા પૂર્ણ ગણાય તે પહેલાં અબુ સલેમે કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલો કુલ રૂ. ૧૬.૫૧ લાખનો દંડ રજિસ્ટ્રીમાં જમા કરાવવો ફરજિયાત છે.
"જો અબુ સાલેમ ૧૨ ઓક્ટોબર, ૨૦૩૦ સુધીમાં નિર્ધારિત દંડની રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે, તો તેણે દંડ ન ભરવા બદલ કોર્ટ દ્વારા નક્કી કરાયેલી વધારાની વૈકલ્પિક જેલ સજા ભોગવવી જ પડશે. આ દંડમાંથી મુક્તિ શક્ય નથી."
— સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)
ટાડા કોર્ટ દ્વારા અરજી ફગાવી દેવાયા બાદ અને બોમ્બે હાઈકોર્ટના નિર્દેશો પછી મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે, જ્યાં હવે સર્વોચ્ચ અદાલતનો આદેશ અબુ સાલેમના ભવિષ્યનો નિર્ણય કરશે.

(5:24 PM IST)