<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ચેન્નાઈ એરપોર્ટ ઉપર એર ઇન્ડિયાના ૧૮૦ મુસાફરો હેરાન : સાડા પાંચ કલાક વિમાન મોડું

રાત્રે ૮ વાગ્યે ઉપડનાર વિમાન સવારે ૧.૩૦ વાગ્યે રવાના થયું : માહિતીના અભાવે મુસાફરોનો હોબાળો

ચેન્નાઈ : ચેન્નાઈથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાડા પાંચ કલાક મોડી પડતાં આશરે ૧૮૦ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ગુરુવારે રાત્રે ૮ વાગ્યે ઉપડવાનું નિર્ધારિત વિમાન આખરે શુક્રવારે વહેલી સવારે ૧.૩૦ વાગ્યે રવાના થયું હતું.

અહેવાલ મુજબ દિલ્હીથી ચેન્નાઈ આવનાર વિમાન સામાન્ય રીતે સાંજે ૬.૩૦ વાગ્યે પહોંચે છે. પરંતુ સંચાલન સંબંધિત કારણોસર આ વિમાન રાત્રે ૧૧.૫૦ વાગ્યે પહોંચ્યું હતું. પરિણામે દિલ્હી જવા માટે એરપોર્ટ ઉપર પહોંચેલા મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી હતી.

મુસાફરોએ ફ્લાઇટના પ્રસ્થાન અંગે યોગ્ય માહિતી મળતી ન હોવાની ફરિયાદ કરીને એરલાઇનના કાઉન્ટર ઉપર હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ એરપોર્ટના સુરક્ષાકર્મીઓએ પરિસ્થિતિ સંભાળી હતી.

અધિકારીઓએ વિમાન આવી પહોંચ્યું હોવાનું જણાવી મુસાફરોને સમજાવ્યા હતા. આખરે તમામ ૧૮૦ મુસાફરો સાથે વિમાન દિલ્હી માટે રવાના થયું હતું. 

(11:37 AM IST)