તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઈટમાં સહ-પાઈલટે કરેલા હુમલા વચ્ચે ૧૭૪ મુસાફરોના જીવ બચાવનાર ભારતીય કેપ્ટન સ્મિત મચ્છારની સાહસિકતાને બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને સોશિયલ મીડિયા પર બિરદાવી
હવામાં ૩૪,૦૦૦ ફૂટની ઊંચાઈએ ગંભીર રીતે ઘાયલ થવા છતાં બિનસાધારણ ત્વરિત બુદ્ધિ અને સાહસ દાખવી વિમાનનું સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવી મોટી વિમાન દુર્ઘટના ટાળનાર ભારતીય પાયલટની જાંબાઝીને સલમાન ખાન સહિત સમગ્ર દેશ અને બોલીવુડ જગતે સલામી આપી

મુંબઈ / નવી દિલ્હી : હવામાં ૧૪,૦૦૦ ફૂટથી વધુ ઊંચાઈએ સર્જાયેલા ભયાનક કોકપિટ સંકટ દરમિયાન પોતાની જિંદગી દાવ પર લગાવીને મુસાફરોના જીવ બચાવનાર ફ્લાયદુબાઈના ભારતીય કેપ્ટન સ્મિત મચ્છારની અસાધારણ બહાદુરીના વિશ્વભરમાં ગુણગાન ગવાઈ રહ્યા છે. તાજેતરમાં બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખાસ પોસ્ટ શેર કરીને પાયલટ સ્મિત મચ્છારના સાહસ, ત્વરિત બુદ્ધિ અને સંયમની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. સલમાન ખાને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "કમાલ કર દિયા પાયલટ જી, અમે બધા તમને સલામ કરીએ છીએ. તમારી સાથે ઉડાન ભરવામાં ભારે આનંદ થશે. વેલ ડન બ્રો... કેપ્ટન સ્મિત મચ્છાર."
૩૪,૦૦૦ ફૂટની ઊંચાઈએ સર્જાયો હતો ભયાનક ડ્રામા
ગત ૩૦ સપ્ટેમ્બરના રોજ ફ્લાયદુબાઈની ફ્લાઈટ FZ1073 દુબઈથી ઇઝરાયેલના તેલ અવીવ તરફ જઈ રહી હતી. વિમાન જ્યારે ૩૪,૦૦૦ ફૂટની ઊંચાઈ પર હતું ત્યારે જ કોકપિટની અંદર સહ-પાઈલટે અચાનક વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કરતા મુખ્યા પાયલટ કેપ્ટન સ્મિત મચ્છાર પર ધારદાર હથિયારથી હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થવા છતાં અને સતત લોહી વહેતું હોવા છતાં કેપ્ટન સ્મિતે વિમાન પરનો કાબૂ ગુમાવવા દીધો નહોતો. માત્ર ૩૦ સેકન્ડની અંદર વિમાન ઝડપથી નીચે તરફ પટકાઈ રહ્યું હતું, પરંતુ કેપ્ટને અત્યંત સાહસ દાખવી કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો હતો.
મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની મદદથી હુમલાખોર પર કાબૂ મેળવાયો
દરવાજો ખુલતા જ ફ્લાઈટમાં સવાર મુસાફરો અને કેબિન ક્રૂના સભ્યોએ તાત્કાલિક કોકપિટમાં પ્રવેશ કરીને હુમલાખોર સહ-પાયલટને દબોચી લીધો હતો અને તેને બાંધી દીધો હતો. આ દરમિયાન સ્મિત મચ્છારે કટોકટીના ઈમરજન્સી કોડ એર ટ્રાફિક કંટ્રોલને મોકલી આપ્યા હતા. ત્યારબાદ વિમાનમાં સવાર અન્ય રાહત પાયલટો અને મુસાફરોની મદદથી વિમાનને સાઉદી અરેબિયાના તબૂક સ્થિત પ્રિન્સ સુલતાન બિન અબ્દુલ અઝીઝ એરપોર્ટ પર સલામત રીતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનમાં ૨૭ બાળકો સહિત કુલ ૧૭૪ મુસાફરો સવાર હતા અને સ્મિત મચ્છારની સમયસૂચકતાને કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
દેશભરમાંથી અને બૉલીવુડમાંથી પ્રશંસાનો ધોધ
આ ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા સ્મિત મચ્છારને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્મિત મચ્છાર સાથે ફોન પર વાતચીત કરીને તેમની કુશળતા પૂછી હતી અને તેમની અદભુત હિમ્મતને બિરદાવી હતી. સલમાન ખાન ઉપરાંત બૉલીવુડના અન્ય દિગ્ગજ કલાકારો જેવા કે સની દેઓલ, શિલ્પા શેટ્ટી, જેકી શ્રોફ અને તમન્ના ભાટિયાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને સ્મિત મચ્છારની બહાદુરીને સલામી આપી છે અને તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી છે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
