તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
ભારતીય રેલવેના ગૌરવના 173 વર્ષ: બોરી બંદરથી થાણે સુધીની એ પ્રથમ ઐતિહાસિક સફરની વર્ષગાંઠ, મંત્રી અશ્વિની વૈષ્ણવે શેર કરી દુર્લભ તસવીરો!
16 એપ્રિલ 1853ના રોજ દેશમાં દોડી હતી પ્રથમ પેસેન્જર ટ્રેન; રેલવે મંત્રીએ આર્કાઇવલ તસવીરો અને આધુનિક 'અમૃત ભારત એક્સપ્રેસ'નો કોલાજ શેર કરી વારસાને બિરદાવ્યો.

મુંબઈ: ભારતીય રેલવે આજે તેના અસ્તિત્વના 173 સફળ વર્ષોની ઉજવણી કરી રહ્યું છે. આજના દિવસે જ વર્ષ 1853માં ભારતના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાયો હતો જ્યારે મુંબઈના બોરી બંદર (હાલનું સીએસએમટી) અને થાણે વચ્ચે દેશની સૌપ્રથમ પેસેન્જર ટ્રેન દોડી હતી. આ ખાસ અવસર પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર ઐતિહાસિક દસ્તાવેજો અને તસવીરો શેર કરી દેશવાસીઓને આ વિરાસતની યાદ અપાવી છે.
ઈતિહાસ અને આધુનિકતાનો સંગમ
રેલવે મંત્રીએ સોશિયલ મીડિયા પર એક વિશેષ કોલાજ શેર કર્યો છે. આ કોલાજમાં એક તરફ થાણે રેલવે પુલ પરથી પસાર થતી ભારતની એ પ્રથમ ટ્રેનની પ્રમાણિત આર્કાઇવલ (ઐતિહાસિક) છબી છે, તો બીજી તરફ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 'અમૃત ભારત એક્સપ્રેસ'ની તસવીર છે. મંત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, "આ યાત્રા હજુ પણ અવિરત ચાલુ છે," જે ભારતીય રેલવેના કાયમી અને અતૂટ વારસાને દર્શાવે છે.
ઐતિહાસિક ભૂલ સુધારવામાં આવી
સેન્ટ્રલ રેલવે દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન મુજબ, આ વખતે મંત્રી દ્વારા શેર કરવામાં આવેલી આર્કાઇવલ છબી ઐતિહાસિક રીતે એકદમ સચોટ છે. અગાઉ ઘણી વખત આ ઐતિહાસિક ક્ષણ માટે ખોટી છબીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેના કારણે ઈતિહાસકારોમાં ચિંતા હતી. ઈતિહાસકાર રાજેન્દ્ર અકલેકરે આ પગલાને આવકારતા જણાવ્યું હતું કે સાચી તસવીરો સામે આવવાથી ભારતીય રેલવેના દસ્તાવેજીકૃત ઈતિહાસને સાચવવામાં મોટી મદદ મળશે.
વિશ્વનું સૌથી મોટું નેટવર્ક
1853માં માત્ર 34 કિલોમીટરના અંતરથી શરૂ થયેલી આ સફર આજે લાખો કિલોમીટરના પાટા અને હજારો ટ્રેનો સુધી વિસ્તરી ચુકી છે. 16 એપ્રિલ 1853ના રોજ બપોરે 3:35 વાગ્યે જ્યારે એ ટ્રેને વ્હિસલ વગાડી હતી, ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી કે એક દિવસ આ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ બની જશે.
આજે વંદે ભારત, અમૃત ભારત અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ્સ સાથે ભારતીય રેલવે જે રીતે હરણફાળ ભરી રહ્યું છે, તે જોતા આ 173મી વર્ષગાંઠ તેના ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય બંનેની સાક્ષી પૂરે છે.
રેલવે મંત્રીનો સંદેશ: "રેલવે માત્ર મુસાફરીનું સાધન નથી, પણ ભારતને એક તાંતણે બાંધતી જીવનરેખા છે."
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
