<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

ઇન્સ્ટાગ્રામ પરની ફેરનેસ ક્રીમથી ૧૭ વર્ષની કિશોરીની કિડની ખરાબ, પારાનું પ્રમાણ ૧૨,૫૦૦ પીપીએમ મળતા ચકચાર

મલપ્પુરમમાં મેમ્બ્રેનસ નેફ્રોપથીનું નિદાન, બાળ અધિકાર પંચે સ્વતઃ નોંધ લઈ સંબંધિત તંત્રો પાસેથી જવાબ માંગ્યા

મલપ્પુરમ : સોશિયલ મીડિયા પર બ્યુટી પ્રોડક્ટની જાહેરાતો પર આંધળો વિશ્વાસ રાખવો કેટલો જોખમી બની શકે છે તેનો ગંભીર કિસ્સો કેરળમાંથી સામે આવ્યો છે, જ્યાં ઇન્સ્ટાગ્રામ પર જોઈને એક વર્ષ સુધી ફેરનેસ ક્રીમનો ઉપયોગ કર્યા બાદ ૧૭ વર્ષની છોકરીની કિડની ગંભીર રીતે ખરાબ થઈ. ડોક્ટરોના મતે કિશોરીના શરીરમાં પારાનું સ્તર ખતરનાક સપાટીએ પહોંચી ગયું અને ક્રીમના પરીક્ષણમાં ૧૨,૫૦૦ પાર્ટ્સ પર મિલિયન (પીપીએમ) પારો હોવાનું સામે આવ્યું, જ્યારે સ્વીકાર્ય મર્યાદા ૧ પીપીએમ કરતા ઓછી હોવી જોઈએ, જેને પગલે કેરળ રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ પંચે સ્વતઃ નોંધ લઈ કેસ દાખલ કર્યો.

મલપ્પુરમની એસ્ટર એમઆઈએમએસ મધર હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર છોકરીએ ઇન્સ્ટાગ્રામ પ્રભાવકના વીડિયોમાં જાહેરાત કરાયેલ ક્રીમ જોઈ હતી, જેમાં ખીલ, ડાઘ અને કાળી ત્વચા દૂર થવાનો દાવો કરાયો હતો, જેના આધારે તેણે વીડિયોમાં આપેલા વોટ્સએપ નંબર પર સંપર્ક કરી ક્રીમ મંગાવ્યું અને શરૂઆતની અસર ગમતા એક વર્ષ સુધી વધુ બોટલો મંગાવી ઉપયોગ ચાલુ રાખ્યો. ત્યારબાદ તેની તબિયત બગડતા બ્લડ પ્રેશર અચાનક ઘટી ગયું, તે વારંવાર બેભાન થવા લાગી, પગ ફૂલી ગયા તેમજ ચાલવા અને સીડી ચઢવામાં તકલીફ પડતા પરિવારે હોસ્પિટલમાં ખસેડી, જ્યાં કિડની નિષ્ણાત ડૉ. એસ. ના રિપોર્ટ મુજબ લોહી અને શરીરમાં પારાના ઊંચા સ્તર સાથે મેમ્બ્રેનસ નેફ્રોપથી નામની ગંભીર કિડનીની સ્થિતિનું નિદાન થયું.

ડોક્ટરના જણાવ્યા મુજબ ક્રીમના નમૂનામાં ૧૨,૫૦૦ પીપીએમ પારો મળ્યો અને શરીરમાં પારો પ્રવેશ્યા બાદ કિડનીની લોહી સાફ કરવાની ક્ષમતા પર ગંભીર અસર પડે છે, જે માટે તબીબોએ ક્રીમમાં રહેલા પારાને જવાબદાર ઠેરવ્યો અને સમયસર સારવાર ન મળે તો ગંભીર ગૂંચવણો સર્જાવાની ચેતવણી આપી. કિશોરીએ જણાવ્યું કે તબિયત બગડ્યા બાદ તેણે કંપનીને ફરિયાદ કરી હતી, જેમાં શરૂઆતમાં ઉચ્ચ અધિકારીઓ સુધી વાત પહોંચાડવાનું વચન મળ્યું પરંતુ બાદમાં સંદેશાઓના જવાબ બંધ થઈ ગયા, જોકે ક્રીમનું નામ જાહેર કરાયું નથી અને મીડિયા અહેવાલ બાદ બાળ અધિકાર પંચે આરોગ્ય સેવા નિયામક, રાજ્ય પોલીસ વડા, ડ્રગ્સ કંટ્રોલર, કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ તથા હોસ્પિટલના અધિક્ષક પાસેથી જવાબ માંગ્યા.

અગાઉ પણ સોશિયલ મીડિયા પર બિનચકાસાયેલ સૌંદર્ય પ્રસાધનોના વેચાણ અને તેમાં હાનિકારક રસાયણોના ઉપયોગ અંગે ચેતવણીઓ સામે આવતી રહી છે, ત્યારે હાલ કિશોરીની સારવાર અને તંત્રની કાર્યવાહી પર સૌની નજર છે. આ ઘટનાક્રમ બાદ હવે પરિવાર દ્વારા ગ્રાહક અદાલતમાં કંપની વિરુદ્ધ કેસ દાખલ કરવાની તૈયારી સાથે સંબંધિત વિભાગોના જવાબ અને તપાસના આધારે આગળની કાયદેસરની તથા નિયમનકારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(12:45 AM IST)