<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

PVRમાં ફિલ્મ શરૂ થવામાં 17 મિનિટનો વિલંબ: વકીલે કન્ઝ્યુમર કોર્ટનો દરવાજો ખખડાવ્યો. PVRને 75,000 ચૂકવવાનો આદેશ

વકીલે દાવો હતો કે લાંબી જાહેરાતોને કારણે તેઓ 1 કલાક મોડા ઘરે પહોંચ્યા: કેસની સુનાવણી બાદ PVRને ₹75,000 ચૂકવવા કોર્ટનો આદેશ :ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ રોકવાની પણ સૂચના આપી

હૈદરાબાદમાં ફિલ્મ જોવા ગયેલા એક વકીલ માટે સિનેમાનો અનુભવ કન્ઝ્યુમર કોર્ટ સુધી પહોંચી ગયો. 10:35 વાગ્યાના શો માટે પહોંચેલા દર્શકને ફિલ્મ શરૂ થાય તે પહેલાં લાંબા સમય સુધી જાહેરાતો અને ટ્રેલર બતાવવામાં આવ્યા. ફિલ્મ 17 મિનિટ મોડી શરૂ થતાં તેમણે ફરિયાદ કરી. કન્ઝ્યુમર કોર્ટે PVRને ₹75,000 ચૂકવવાનો આદેશ આપ્યો છે.

 

હૈદરાબાદના એક વકીલે PVR સિનેમામાં રાત્રે 10:35 વાગ્યાના શો માટે 2 ટિકિટ બુક કરી હતી. તેઓ સમયસર સિનેમાઘરમાં પહોંચી પોતાની સીટ પર બેસી ગયા હતા. જોકે, નિર્ધારિત સમયે ફિલ્મ શરૂ થઈ નહોતી. સ્ક્રીન પર જાહેરાતો, ટ્રેલર અને અન્ય સામગ્રી ચાલતી રહી હતી. અંતે ફિલ્મ 17 મિનિટ મોડી શરૂ થઈ હતી.

 

 

વકીલે દાવો કર્યો હતો કે ફિલ્મ શરૂ થવામાં થયેલા વિલંબની અસર માત્ર 17 મિનિટ પૂરતી રહી નહોતી. તેના કારણે તેઓ લગભગ 1 કલાક મોડા ઘરે પહોંચ્યા હતા. સામાન્ય રીતે તેઓ રાત્રે 2 વાગ્યે ઘરે પહોંચવાના હતા. પરંતુ શો મોડેથી પૂર્ણ થતાં તેઓ સવારે લગભગ 3 વાગ્યે ઘરે પહોંચ્યા હતા. આ બાબતને અરજદાર વકીલે અસુવિધા ગણાવી હતી.

 

 

ફરિયાદી વકીલે આ મામલો હૈદરાબાદ જિલ્લા કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન સમક્ષ રજૂ કર્યો હતો. તેમનો આરોપ હતો કે ફિલ્મ પહેલાં લાંબા સમય સુધી કમર્શિયલ જાહેરાતો બતાવવી યોગ્ય નથી. તેમણે માહિતી અને પ્રસારણ મંત્રાલયના નિયમોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે અસુવિધા અને માનસિક પરેશાની બદલ વળતર સાથે કાનૂની ખર્ચની માંગ કરી હતી.

 

PVRએ જાહેરાતો, ટ્રેલર અને પબ્લિક સર્વિસ કન્ટેન્ટ બતાવવાનું પોતાના વ્યવસાયિક અધિકારનો ભાગ ગણાવ્યું હતું. કંપનીએ બંધારણના Article 19(1)(g)નો પણ ઉલ્લેખ કર્યો હતો. PVR એ એવુ કહીને બચાવ કર્યો હતો કે, થિયેટરમાં દર્શાવવામાં આવેલી કેટલીક સામગ્રી સાક્ષરતા, કૃષિ, મહિલા કલ્યાણ અને સ્વચ્છતા જેવા જનહિતના મુદ્દાઓ સાથે જોડાયેલી હતી.

 

આ કેસમાં કમિશને PVRની દલીલ સ્વીકારી નહોતી. આદેશમાં પબ્લિક સર્વિસ ફિલ્મની મહત્તમ અવધિ 2 મિનિટ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કમિશને લાંબા સમય સુધી જાહેરાતો બતાવવાની બાબતને અનુચિત વેપારી વ્યવહાર ગણાવી હતી. અંતે કમિશને ₹20,000 વળતર, ₹5,000 કાનૂની ખર્ચ અને ₹50,000 દંડ તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો. કુલ ₹75,000ની રકમ જિલ્લા કન્ઝ્યુમર વેલ્ફેર ફંડમાં જમા કરાવવાની રહેશે. સાથે ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ બંધ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

(5:38 PM IST)