તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 1st September 2026
બિહારમાં દોડતી કારમાં ૧૫ વર્ષની વિદ્યાર્થિની સાથે સામૂહિક દુષ્કર્મ:માતાને હોસ્પિટલ મળવા નીકળેલી ૧૫ વર્ષની વિદ્યાર્થિનીને કારમાં બેસાડી હેવાનિયતઃ બિહારમાં બે આરોપી પકડાયા
બાળકીની ચીસો દબાવવા કારમાં મોટેથી સંગીત વગાડ્યુંઃ પચાસ કિલોમીટર દૂર લઈ જઈ સામૂહિક દુષ્કર્મનો આરોપ: ગુનો છુપાવવા સગીરાની હત્યાની ચર્ચા પણ કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખઃ ત્રીજા ફરાર આરોપીની શોધખોળ તેજ

ઔરંગાબાદ: બિહારના ઔરંગાબાદ જિલ્લામાં ૧૫ વર્ષની વિદ્યાર્થિની સાથે દોડતી કારમાં ત્રણ યુવકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ ચાલી રહી છે. ઘટના સોમવારે બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સગીરાની માતા સારવાર માટે કુટુંબા રેફરલ હોસ્પિટલ ગઈ હતી. માતાએ દીકરીને ફોન કરીને હોસ્પિટલ આવવા કહ્યું હતું. બપોરે આશરે સાડા બાર વાગ્યે સગીરા ઘરેથી નીકળી ત્યારે તેના જ ગામના ત્રણ યુવકો દેવરિયા કેનાલ નજીક મળ્યા હતા. આરોપીઓએ તેને હોસ્પિટલ સુધી મૂકી જવાની વાત કરી કારમાં બેસાડી હતી. પરંતુ હોસ્પિટલ જવાને બદલે કારને અન્ય માર્ગે દોડાવવામાં આવી હતી.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સગીરાએ વિરોધ કરી બૂમાબૂમ શરૂ કરતાં આરોપીઓએ કારમાં સંગીતનો અવાજ ખૂબ મોટો કરી દીધો હતો. ત્યારબાદ તેને આશરે ૫૦ કિલોમીટર દૂર અનુગ્રહ નારાયણ રોડ વિસ્તાર તરફ લઈ જવાઈ અને તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે.
ફરિયાદમાં વધુ ગંભીર દાવો એવો છે કે આરોપીઓએ ઘટના બહાર ન આવે તે માટે સગીરાની હત્યા કરવાની પણ ચર્ચા કરી હતી. પોલીસે બે શખ્સોને ઝડપી લીધા છે અને ત્રીજા આરોપી તથા ગુનામાં વપરાયેલી કારને શોધવા દરોડા શરૂ કર્યા છે. સગીરાના નિવેદનના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
