તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
૧૫ વર્ષના દીકરાને સારા ગ્રેડ પર ૧.૬૨ કરોડની BMW કાર ભેટ, પશ્ચિમ બંગાળમાં અનોખી ગિફ્ટથી મચ્યો હોબાળો
પૂર્વ બર્ધમાનના ઉદ્યોગપતિએ ધોરણ ૯ ના પુત્રને આપેલું વચન પાળ્યું, મુંબઈથી સ્પેશિયલ કન્ટેનરમાં ગામ ખાતે મંગાવી લક્ઝરી કાર

પરજ : સામાન્ય રીતે બાળકોને સારા માર્ક્સ લાવવા પર ચોકલેટ, સાયકલ કે નાની-મોટી ગિફ્ટ અપાતી હોય છે, પરંતુ પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લાના ગલસી વિસ્તારમાં આવેલા પરજ ગામમાંથી એક એવી અશ્ચર્યજનક ઘટના સામે આવી છે જેણે દેશભરમાં ભારે ચર્ચા જગાવી છે. અહીંના એક સમૃદ્ધ ઉદ્યોગપતિ શમસુદ્દીન મિદ્યાએ પોતાના ૧૫ વર્ષીય પુત્ર મોહમ્મદ તલ્હાને શાળાની પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કરવા બદલ આશરે ૧.૬૨ કરોડ રૂપિયાની કિંમતી બીએમડબલ્યુ એમ૪ કોમ્પિટિશન (BMW M4 Competition) લક્ઝરી સ્પોર્ટ્સ કાર ભેટમાં આપી છે.
મળતી માહિતી મુજબ, ૯મા ધોરણમાં અભ્યાસ કરતા મોહમ્મદ તલ્હાએ છમાસિક પરીક્ષામાં શાનદાર ગુણ પ્રાપ્ત કર્યા હતા, અને તે લાંબા સમયથી આ શક્તિશાળી સ્પોર્ટ્સ કૂપ ખરીદવાની ઈચ્છા ધરાવતો હતો. તેના પિતાએ અગાઉ તેને વચન આપ્યું હતું કે જો તે અભ્યાસમાં સારો દેખાવ કરશે તો તેની આ ઈચ્છા ચોક્કસ પૂરી કરવામાં આવશે. પરિણામ જાહેર થતાં જ પિતાએ પોતાનું વચન પૂરું કરીને આ મોંઘીદાટ કાર ખાસ મુંબઈથી કન્ટેનરમાં મંગાવીને પોતાના પુત્રને સરપ્રાઈઝ આપી હતી.
આ અનોખી અને કિંમતી ભેટ મળ્યા બાદ આખો મામલો સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે આગની જેમ ફેલાઈ ગયો હતો, જેના કારણે આખા ગામમાં અને આસપાસના વિસ્તારમાં ભારે હોબાળો તેમજ કુતૂહલનો માહોલ સર્જાયો હતો. એક સામાન્ય વયના કિશોરને કરોડો રૂપિયાની લક્ઝરી કાર ભેટમાં આપવાની આ ચર્ચા હાલ સોશિયલ મીડિયા પર પણ ટોક ઓફ ધ ટાઉન બની છે.
આ ઘટના બાદ હવે શિક્ષણ જગતમાં અને વાલીઓ વચ્ચે બાળકોને અપાતા આ પ્રકારના મોટા ઈનામોની પ્રથા સામે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે, જ્યારે આ લક્ઝરી કારને જોવા માટે ગામલોકોની ભીડ પણ ઉમટી રહી છે
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
