News of Saturday, 7th November 2026
૧૩ વર્ષના છોકરાનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ! ક્લાસમાં ઢળી પડ્યો
શાળાએ પહોંચ્યાના થોડા સમયમાં જ તબિયત બગડી

લખનૌ તા.૭: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં, શાળામાં અચાનક બીમાર પડ્યા બાદ ૧૩ વર્ષીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. આઠમા ધોરણનો વિદ્યાર્થી બુધવારે સવારે શાળાએ પહોંચ્યો હતો. વર્ગમાં પહોંચ્યાના થોડા સમય બાદ જ તે અચાનક ઢળી પડ્યો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તબીબી ટીમના જણાવ્યા અનુસાર, મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ (હૃદયના ધબકારા અટકી જવા) હતું. આ ઘટના એવા સમયે બની છે જ્યારે શાળાઓમાં બાળકોના અચાનક પડી જવા અને મૃત્યુ પામવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.
અહેવાલો અનુસાર, બુધવારે સવારે વિદ્યાર્થીના પિતા તેને શાળાએ મૂકી ગયા હતા. શાળાએ પહોંચ્યો ત્યારે બાળક એકદમ સ્વસ્થ અને ખુશ જણાતો હતો. શાળાના આચાર્યએ જણાવ્યું કે, વિદ્યાર્થી ખભા પર સ્કૂલ બેગ લટકાવીને ક્લાસમાં પ્રવેશ્યો હતો, ત્યારે જ તે અચાનક પાછળની તરફ જમીન પર પડી ગયો. શરૂઆતમાં, શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓને સમજાયું નહીં કે શું થયું છે. જ્યારે તેમને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ, ત્યાં સુધીમાં તો વિદ્યાર્થી બેભાન થઈ ગયો હતો. શાળાના કર્મચારીઓ તેને તાત્કાલિક સ્ટાફ રૂમમાં લઈ ગયા, પરંતુ તેના શરીરમાં હલનચલન કે કોઈ પ્રતિક્રિયા જોવા મળી નહીં. ત્યારબાદ શાળા વહીવટીતંત્રે બાળકના પિતાને જાણ કરી. પિતા શાળાએ પહોંચ્યા અને એક શિક્ષકની મદદથી બાળકને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તપાસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
ઘટનાની જાણ થતાં પોલીસ કર્મચારીઓ હોસ્પિટલ પહોંચ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, ડોક્ટરોએ મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું જણાવ્યું છે. ત્યારબાદ પરિવારે પોલીસમાં કોઈ ઔપચારિક ફરિયાદ ન નોંધાવવાનો નિર્ણય લીધો
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
