<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

યુક્રેનના ચોર્નોમોર્સ્ક બંદરે 'એમવી અમીર ૧' જહાજમાં ૧૩ ભારતીય નાવિકો ફસાયા : સતત ડ્રોન અને મિસાઈલ હુમલા વચ્ચે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ખલાસીઓ

માર્ચન્ટ વેસલ 'એમવી ઓમોર્ફી' પરના હુમલામાં એક ભારતીયના મોત બાદ પરિસ્થિતિ ગંભીર : ભારતે યુક્રેનના એમ્બેસેડર ડૉ. ઓલેક્ઝાન્ડર પોલિશચુકને સમન્સ પાઠવી નાવિકોના તાત્કાલિક રેસ્ક્યૂ માટે ફોરવર્ડ સીમેન્સ યુનિયન ઓફ ઈન્ડિયાની કડક માગણી

નવી દિલ્હી: યુક્રેનના ચોર્નોમોર્સ્ક બંદરે એન્કર કરેલા માલવાહક જહાજ 'એમવી અમીર ૧' (MV AMIR1) પર સતત થઈ રહેલા ડ્રોન અને મિસાઈલ હુમલાઓને કારણે ૧૩ ભારતીય નાવિકો સહિત કુલ ૧૫ ક્રૂ મેમ્બર્સ ભયાનક અને જીવન સટોસટની સ્થિતિમાં ફસાઈ ગયા છે. ફોરવર્ડ સીમેન્સ યુનિયન ઓફ ઈન્ડિયા (FSUI) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર આ અંગે માહિતી આપતા તમામ નાવિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર અને સંબંધિત તંત્રને તાકીદની અપીલ કરવામાં આવી છે.

 

એફએસયુઆઈ (FSUI) દ્વારા કરવામાં આવેલી ઈમરજન્સી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જહાજની એકદમ નજીકના વિસ્તારમાં સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓ થઈ રહ્યા છે, જેના કારણે ક્રૂ મેમ્બર્સ સતત ફાળ અને ડરના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે. યુનિયને જહાજના માલિકો, જહાજના ફ્લેગ સ્ટેટ, સંબંધિત સત્તામંડળો અને ભારત સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા તેમને વહેલી તકે વતન વાપસી (રેસ્ક્યૂ) કરવાની માગ કરી છે. યુનિયને ભારપૂર્વક કહ્યું છે કે, યુદ્ધગ્રસ્ત ક્ષેત્રોમાં ભારતીય નાવિકોને આ રીતે ટાર્ગેટ બનવા માટે છોડી શકાય નહીં, તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવા અનિવાર્ય છે.

 

આ ઘટનાના એક દિવસ પહેલા જ ભારતના વિદેશ મંત્રાલયે (MEA) બ્લેક સી (કાળા સમુદ્ર) વિસ્તારમાં ભારતીય નાવિકોની સુરક્ષા અંગે યુક્રેન સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. યુક્રેનના ઓડેસા બંદર નજીક માર્ચન્ટ વેસલ 'એમવી ઓમોર્ફી' (MV OMORFI) પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત નિપજ્યું હતું, જેમાં ૪ ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા.

 

આ ઘટના બાદ ભારતના વિદેશ મંત્રાલયે ભારતસ્થિત યુક્રેનના એમ્બેસેડર ડૉ. ઓલેક્ઝાન્ડર પોલિશચુકને સમન્સ પાઠવીને કડક શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર સરકારે કોમર્શિયલ શિપિંગ પર થઈ રહેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી તેને દરિયાઈ સુરક્ષા, નેવિગેશનની સ્વતંત્રતા અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે મોટો ખતરો ગણાવ્યો છે, સાથે જ કિવ (યુક્રેન સરકાર) ને નાગરિક ખલાસીઓને લઈ જતા કોમર્શિયલ જહાજોને ટાર્ગેટ ન બનાવવાની સ્પષ્ટ સૂચના આપી છે.

(10:58 PM IST)