<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

નાલંદામાં માત્ર એક લીંબુ માટે ૧૨ વર્ષના માસૂમની કરપીણ હત્યા: માથામાં ફટકા મારી જીવ લીધો, રોષે ભરાયેલા ટોળાનો પોલીસ પર પથ્થરમારો!

સકરવન ગામમાં હિંસા ફાટી નીકળતા રણમેદાન જેવી સ્થિતિ; ૬૦ પોલીસ સ્ટેશનોનો કાફલો અને ૫૦૦ જવાનો તૈનાત, વહીવટી તંત્ર દ્વારા ૧૨ શખ્સોની અટકાયત

નાલંદા, તા.૧૩: બિહારના નાલંદા જિલ્લામાં માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં માત્ર એક લીંબુ ઉપાડવા જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદમાં ૧૨ વર્ષના નિર્દોષ બાળકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ હિંસક ઘટના બાદ આખું ગામ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે રોષે ભરાયેલા ગ્રામજનોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો.

માત્ર એક લીંબુ અને માસૂમનો જીવ ગયો

ઘટનાની વિગત મુજબ, અસ્થાવન પોલીસ સ્ટેશન વિસ્તારના સકરવન ગામમાં ૧૨ વર્ષનો શુભમ મંગળવારે (૧૨ મે) પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો. રમતા-રમતા તેણે પાડોશી ગોરખ મિયાંના બગીચામાં ઝાડ પરથી નીચે પડેલું એક લીંબુ ઉપાડ્યું હતું. આ સામાન્ય વાતથી ઉશ્કેરાયેલા પાડોશી અને તેના પરિવારજનોએ માસૂમ શુભમ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન શુભમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો.

ગામમાં આક્રોશ અને પોલીસ સાથે અથડામણ

શુભમના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આક્રોશિત ભીડે આરોપીના ઘર તરફ કૂચ કરી હતી. જ્યારે પોલીસે પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો ત્યારે ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેમાં કેટલાક પોલીસકર્મીઓ અને ગ્રામજનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ભારે પોલીસ બંદોબસ્ત અને ધરપકડ

ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા મેજિસ્ટ્રેટ કુંદન કુમાર અને એસપી ભરત સોની પોતે મોરચો સંભાળી રહ્યા છે. હાલમાં ગામમાં ૬૦ જેટલા પોલીસ સ્ટેશનોની ફોર્સ, QRT ટીમ અને ૫૦૦થી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં ૧૨ લોકોની અટકાયત કરી છે અને મુખ્ય આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે વહીવટી તંત્ર રાત-દિવસ કાર્યરત છે, પરંતુ આ ઘટનાએ સામાજિક સૌહાર્દ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

(5:39 PM IST)