<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

૨૪ કલાકમાં ૧૨ ઇંચ અરુણાચલ પ્રદેશના ઈસ્ટ સિયાંગ જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકવાને લીધે સીબો કોરંગ નદીમાં ભયંકર પૂર આવ્યું: આવતા ૨૪ કલાકમાં વધુ ૧૨ ઇંચ ખાબકવાની આગાહી: રેડ એલર્ટ

સતત વરસાદ અને મોટા પાયે થયેલા ભૂસ્ખલનના કારણે મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા: સાત જિલ્લાઓનો એકબીજા સાથેનો સંપર્ક સાવ તૂટી ગયો: કેયી પાન્યોર વિસ્તારમાં વાદળ ફાટવાથી થયેલી ખાનાખરાબીમાં ત્રણ મૃતદેહ મળી આવ્યા

ઇટાનગર: અરુણાચલ પ્રદેશના ઈસ્ટ સિયાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આ સતત વરસાદના કારણે સીબો કોરંગ નદીના જળસ્તરમાં નાટકીય રીતે વધારો થયો છે અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. પાસીઘાટ ખાતે આવેલા હવામાન વિભાગના સત્તાવાર મથકે ૨૮ જૂન ૨૦૨૬ ના રોજ બપોરે અઢી વાગ્યા સુધીના ૨૪ કલાકના સમયગાળામાં ૩૦૬ મિલીમીટર જેટલો એટલે કે ૧૨ ઇંચ જેવો અત્યંત ભારે વરસાદ નોંધ્યો છે. 

છેલ્લા અહેવાલો મુજબ અરુણાચલ પ્રદેશ અને ઈસ્ટ સિયાંગમાં પૂર અને વરસાદની હાલની સ્થિતિ ભય જનક છે. હાલમાં અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. ભારતીય હવામાન વિભાગે ઈસ્ટ સિયાંગ, પાપુમ પારે, લોઅર સુબાનસિરી, લેપારાડા અને લોઅર સિયાંગ એમ પાંચ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ચોવીસ કલાકમાં ૨૦૦ મિલીમીટરથી વધુ એટલે કે આઠ ઇંચ થી વધુ વરસાદ ખાબકવાની ચેતવણી આપવામાં આવી છે, જેનાથી ભૂસ્ખલન અને પૂરનો ખતરો વધી ગયો છે. 

સતત વરસાદ અને મોટા પાયે થયેલા ભૂસ્ખલનના કારણે મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેથી સાત જેટલા જિલ્લાઓનો એકબીજા સાથેનો સંપર્ક સાવ તૂટી ગયો છે. કેયી પાન્યોર વિસ્તારમાં વાદળ ફાટવાથી થયેલી ખાનાખરાબીમાં બચાવ કામગીરી દરમિયાન ત્રીજો મૃતદેહ મળી આવ્યો છે.

જ્યાં ચોવીસ કલાકમાં ૧૨ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેવા ઈસ્ટ સિયાંગ અને પાસીઘાટ વિસ્તારમાં પૂરનો ખતરો ખૂબ જ વધારે છે. આ વિસ્તાર પણ હવામાન વિભાગના રેડ એલર્ટ હેઠળ છે. અતિભારે વરસાદના લીધે સિયાંગ નદીના જળસ્તરમાં જોખમી વધારો થયો છે અને તેની ભયજનક સપાટી ૧૫૩ મીટર નક્કી કરવામાં આવી છે. 

પૂરની ગંભીરતાને જોતા વહીવટીતંત્ર દ્વારા શાળાઓ અને સરકારી મકાનોમાં લોકો માટે સલામત આશ્રયસ્થાનો ઊભા કરવામાં આવ્યા છે. નદી કિનારે અને પૂરની શક્યતાવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પાણીના પ્રવાહ પાસે ન જવા અને સુરક્ષિત જગ્યાએ રહેવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. 

(5:32 PM IST)