<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

114 વર્ષ જૂના ટાઇટેનિકની યાદગાર વસ્તુઓની હરાજી:ખિસ્સા ઘડિયાળ ₹3.17 કરોડમાં વેચાઈ અને હીરાની વીંટીના ₹1.77 કરોડ રૂપિયા મળ્યા

લેડી ડફ ગોર્ડનની હીરાની વીંટી 1.40 લાખ પાઉન્ડ એટલે કે અંદાજે ₹1.77 કરોડમાં વેચાઈ: ફર્સ્ટ ક્લાસના મુસાફર રેમન ગોમેઝનો પત્ર પણ આશરે ₹1.01 કરોડમાં વેચાયો

નવી દિલ્હી :વિશ્વના સૌથી ચર્ચિત જહાજ ટાઇટેનિક સાથે જોડાયેલી દુર્લભ વસ્તુઓની હરાજી કરવામાં આવી છે. 114 વર્ષ પહેલાં એટલાન્ટિક મહાસાગરમાં ડૂબેલા આ જહાજની યાદગાર વસ્તુઓ કરોડો રૂપિયામાં વેચાઈ છે. આ હરાજીમાં ખિસ્સાની ઘડિયાળથી લઈને હીરાની વીંટી અને મુસાફરોના પત્રો સુધીની 100થી વધુ વસ્તુઓ સામેલ હતી. કુલ હરાજીનું વેચાણ 10 લાખ પાઉન્ડ એટલે કે અંદાજે 12.66 કરોડ રૂપિયાથી વધુ રહ્યું હતું.

1912માં ટાઇટેનિક હિમશિલા સાથે અથડાયા બાદ સમુદ્રમાં ડૂબી ગયું હતું. આ દુર્ઘટનાને 114 વર્ષ વીતી ગયા હોવા છતાં જહાજ સાથે જોડાયેલી વસ્તુઓ પ્રત્યે લોકોનો રસ આજે પણ યથાવત છે. હરાજીમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી વસ્તુઓમાં મેરી મંગનની ખિસ્સાની ઘડિયાળનો સમાવેશ થાય છે. ટાઇટેનિકની મુસાફર મેરી મંગન સાથે જોડાયેલી આ ઘડિયાળ આશરે 2.50 લાખ પાઉન્ડ એટલે કે ₹3.17 કરોડમાં વેચાઈ હતી. આ ઉપરાંત લેડી ડફ ગોર્ડનની હીરાની વીંટી 1.40 લાખ પાઉન્ડ એટલે કે અંદાજે ₹1.77 કરોડમાં વેચાઈ હતી. ટાઇટેનિક સાથે જોડાયેલા દાગીનામાં આ સૌથી ઊંચી કિંમત હોવાનું જણાવાયું છે.

 

ફર્સ્ટ ક્લાસના મુસાફર રેમન ગોમેઝનો પત્ર પણ આશરે ₹1.01 કરોડમાં વેચાયો હતો. આ પત્રમાં જહાજની કેટલીક વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ટાઇટેનિકના વાયરલેસ ઓપરેટર જેક ફિલિપ્સે લખેલું પોસ્ટકાર્ડ ₹40.5 લાખમાં વેચાયું હતું. જ્યારે જહાજનો વીમા દસ્તાવેજ ₹34.2 લાખ અને દુર્લભ ટિકિટ ₹57.6 લાખમાં વેચાઈ હતી. હરાજીકારોના જણાવ્યા અનુસાર, આ વસ્તુઓ માત્ર ઐતિહાસિક ચીજવસ્તુઓ નથી, પરંતુ ટાઇટેનિક સાથે જોડાયેલા લોકોની યાદો અને ઇતિહાસને જીવંત રાખે છે.

(4:01 PM IST)