તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
₹૧.૧ લાખ કરોડ લાવારિસ: બેંકો અને વીમા કંપનીઓમાં જમા દેશના અબજો રૂપિયાનો કોઈ વારસદાર નથી
કેવાયસી વિગતોમાં ભૂલો અને નોમિનીના અભાવે અઢળક નાણાં સરકારી તિજોરીમાં અટવાયા : આરબીઆઈ, સેબી અને આઈઆરડીએઆઈ ના સંયુક્ત પોર્ટલ દ્વારા ગ્રાહકો પોતાના ભૂલાયેલા નાણાંની ઓનલાઈન તપાસ કરી શકશે

નવી દિલ્હી: દેશની બેંકો, શેરબજાર અને વીમા કંપનીઓમાં નાગરિકોના અંદાજે ₹૧.૧ લાખ કરોડ રૂપિયા લાવારિસ હાલતમાં પડ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ના સરકારી આંકડા અનુસાર, આ રકમનો દાવો કરવા માટે કોઈ સામે આવ્યું નથી. જેમાં સૌથી મોટો હિસ્સો બેંક ખાતાઓ અને એફડી (FD) નો છે, જ્યાં આશરે ₹૮૩,૦૦૦ કરોડ જમા છે. આ ઉપરાંત, મ્યુચ્યુઅલ ફંડ-શેરના ₹૧૦,૦૦૦ કરોડ અને વીમા પોલિસીના ₹૧૪,૦૦૦ કરોડ રૂપિયા ક્લેમ થયા વિના આરબીઆઈ (RBI) અને સેબી (SEBI) જેવી નિયમનકારી સંસ્થાઓ પાસે સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
આટલી મોટી રકમ બિનવારસી રહેવાનું મુખ્ય કારણ ભૂતકાળના રોકાણોમાં અધૂરું કેવાયસી (KYC), દસ્તાવેજોમાં નામની ખોટી જોડણી, બદલાયેલા સરનામાં અને સૌથી મહત્વનું 'નોમિની' (વારસદાર) ની વિગતો ન હોવાનું છે. અગાઉના સમયમાં લોકો રોકાણ કરતી વખતે નોમિનીનું નામ ઉમેરવાનું ચૂકતા હતા, જેના કારણે ખાતાધારકના અવસાન બાદ કાનૂની ગૂંચવણો ઉભી થાય છે અને પરિવારો પોતાના જ હકના પૈસાથી વંચિત રહી જાય છે.
ગ્રાહકોની સુવિધા માટે સરકારે આ નાણાં શોધવાની પ્રક્રિયા ઓનલાઈન અને અત્યંત સરળ બનાવી દીધી છે. સામાન્ય નાગરિકો બેંક ખાતાની વિગતો માટે આરબીઆઈના 'UDGAM' પોર્ટલ પર, શેર-ડિવિડન્ડ માટે 'IEPF' પોર્ટલ પર અને વીમાના નાણાં માટે 'IRDAI' ની સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાના પરિવારના જૂના અટકેલા નાણાંની તપાસ કરી શકે છે. સરકારની 'તમારા પૈસા તમારા અધિકાર' ઝુંબેશ હેઠળ અત્યાર સુધીમાં ₹૫,૭૭૭ કરોડ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ લાખો લોકોએ પોતાના હકની કમાણી મેળવવાની બાકી છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
