તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
ખોપોલીના મંદિરમાંથી ૧૧ કિલો ચાંદીનું મહોરું લૂંટયું
ચોરોએ મહાદેવને પણ ન બક્ષ્યા : મરાઠાકાળના પ્રાચીન વીરેશ્વર મંદિરમાંથી મહોરા ઉપરાંત કીમતી વસ્તુઓ પણ ચોરાઈ

રાયગડ,તા.૨૨: અપર ખોપોલીમાં આવેલા પ્રાચીન વીરેશ્વર મંદિરમાં મહાદેવના શિવલિગ પર ગોઠવવામાં આવેલું ૧૧ કિલોનું ચાંદીનું મહોરું ચોરી થયાની ઘટના સામે આવી છે. રવિવારે મધરાત બાદ બેથી ૩ વાગ્યા દરમ્યાન આ ચોરી થઈ હોવાનું માનવામાં આવે છે.
ખોપોલી પોલીસે આ મામલે કેસ નોંધીને CCTV કેમેરાનું ફુટેજ તથા ફોરેન્સિક પુરાવા એકઠા કરવાનું શરૂ કરીને ચોરોની શોધ શરૂ કરી છે. પોલીસે જણાવ્યા અનુસાર ચોરી થયેલા ૧૧ કિલોના મહાદેવના ચહેરા જેવા દેખાતા ચાંદીના મહોરાની કિમત ૫.૫ લાખ રૂપિયાની હતી, જે શિવલિગને અનુરૂપ બેસે એ રીતે ગોઠવવામાં આવતું હતું. ચોરોએ ચાંદીના મહોરા ઉપરાંત મંદિરમાં રહેલી અન્ય કીમતી વસ્તુઓ પણ લૂંટી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વીરેશ્વર મંદિર મરાઠાકાળનું મંદિર માનવામાં આવે છે જે પેશવાઓના શાસનકાળ દરમ્યાન પણ ખૂબ જ માનીતું હતું અને એની ખૂબ જ સારી રીતે જાળવણી કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યા મુજબ ચોરોએ મંદિરના પાછળના દરવાજાનું તાળું કોઈ ટૂલ વડે ખોલ્યું હતું અને ત્યાંથી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરીને ચોરી કરી હતી. ચોરી થઈ એ પહેલાં અનેક કલાકો સુધી ચોરો મંદિરના પરિસરમાં જ છુપાયેલા હોવાની શક્યતા છે. યોજનાબદ્ધ રીતે આ ચોરી કરવામાં આવી હતી. રાયગડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ફિગરપ્રિન્ટ એક્સપર્ટે ફોરેન્સિક પુરાવા એકઠા કરીને તપાસ શરૂ કરી છે.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
