<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

પેપર લીક કેસમાં 10મી ધરપકડ, CBIએ લાતુરમાં કોચિંગ ઓપરેટરની કરી ધરપકડ, મોબાઇલ પર મળ્યું પ્રશ્નપત્ર : NEET-UG 2026 પેપર લીક કૌભાંડમાં CBIની દેશવ્યાપી તપાસ તેજ

લાતુરના કોચિંગ સંચાલકની ધરપકડ સાથે આરોપીઓની સંખ્યા 10 પર પહોંચી, વોટ્સએપ-ટેલિગ્રામ પર ₹30 હજારથી ₹28 લાખમાં વેચાયું હતું પેપર, 14 રાજ્યોમાં ફેલાયેલા નેટવર્કનો પર્દાફાશ

લાતુર, તા. 18  : NEET-UG 2026 પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સોમવારે 10મી ધરપકડ કરી છે. CBIએ મહારાષ્ટ્રના લાતુરમાંથી એક કોચિંગ ઓપરેટરની ધરપકડ કરી છે, જેના મોબાઇલ ફોનમાંથી NEETનું લીક થયેલું પ્રશ્નપત્ર મળી આવ્યું છે.

 

CBIની તપાસમાં સામે આવ્યું છે કે દેશભરમાં ચકચાર મચાવનાર NEET પરીક્ષાના પેપર લીક મામલે હવે તપાસ CBIના હાથમાં છે. 14 રાજ્યોમાં ફેલાયેલા આ કૌભાંડમાં જયપુર, નાસિક અને રાજસ્થાનનું સીકર મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યા છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની લેખિત ફરિયાદ બાદ CBIની 5 ટીમો અલગ-અલગ રાજ્યોમાં પહોંચી ગઈ છે. 

 

અત્યાર સુધી CBIએ આ કેસમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ પહેલા 12 મેના રોજ FIR નોંધાયા બાદ CBIએ જયપુરથી માંગીલાલ બિવાલ, વિકાસ બિવાલ અને દિનેશ બિવાલ, ગુરુગ્રામથી યશ યાદવ અને નાસિકથી શુભમ ખૈરનારની ધરપકડ કરી હતી. ત્યારબાદ પુણે અને અહિલ્યાનગરમાંથી ધનંજય લોખંડે અને મનીષા વાઘમારેને ઝડપ્યા હતા. હવે લાતુરના કોચિંગ સંચાલકની ધરપકડ સાથે આંકડો 10 પર પહોંચ્યો છે. 

 

CBIના જણાવ્યા અનુસાર, 3 મેના રોજ NEETની પરીક્ષા પહેલા જ પ્રશ્નપત્ર PDF ફોર્મેટમાં વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા સર્કુલેટ કરવામાં આવ્યું હતું. સેમ્પલ પેપરના નામે લીક થયેલું આ પેપર ₹30 હજારથી લઈને ₹28 લાખ સુધીના ભાવે વોટ્સએપ પર વેચાયું હતું. 

 

તપાસમાં ખુલાસો થયો છે કે 29 એપ્રિલે યશ યાદવે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના પ્રશ્ન પત્ર ટેલીગ્રામ દ્વારા PDF ફોર્મેટમાં આપ્યા હતા. માંગીલાલે પ્રશ્નપત્ર મેળવ્યા બાદ તેની પ્રિન્ટ લઇને પોતાના પુત્ર અમન બિવાલ, સંબંધીઓ અને બીજા જાણકાર લોકોને આપ્યું હતું. 

 

આ આખા કૌભાંડનો પર્દાફાશ સીકરની એક કોચિંગ સંસ્થાના ફેકલ્ટી મેમ્બરના કારણે થયો હતો. તેમણે વોટ્સએપ અને ટેલિગ્રામ પર વાઇરલ થઈ રહેલા 'ગેસ પેપર'ને જોયું અને જ્યારે જાણવા મળ્યું કે તે અસલી નીટ પેપર સાથે ઘણું મળતું આવે છે, ત્યારે તેમણે તાત્કાલિક નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)ને ઈ-મેઇલ દ્વારા જાણ કરી હતી.

 

પેપર લીક અને પરીક્ષા રદ થયા બાદ દેશભરમાં NTA વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શનો થયા છે. NTA એ 12 મેના રોજ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. CBIએ નિષ્પક્ષ અને વ્યાપક તપાસની ખાતરી આપી છે. આ કેસમાં Public Examinations Act, 2024 હેઠળ કાર્યવાહી થઈ રહી છે, જેમાં પેપર લીક કરનારાઓ માટે 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

(4:38 PM IST)