<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

બંગાળમાં ૧૦૭ વર્ષનો ઈતિહાસ બદલાયોઃ ઈદની નમાઝ રોડના બદલે મેદાનમાં થઈ

કોલકાતાની લાઈફલાઈન ગણાતા રેડ રોડને વર્ષમાં બે વખત નમાઝ માટે બંધ કરવાની પ્રથામાં સુવેન્‍દુ સરકારે ફેરફાર કર્યો

કોલકાતા તા.૨૯: પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારે સત્તા સંભાળ્‍યા પછી સંખ્‍યાબંધ ફેરફાર આવી રહ્યા છે. ગત સરકારોએ શરૂ કરેલી અનેક યોજનાઓને બિનજરૂરી ગણાવી બંધ કરવાના ક્રાંતિકારી નિર્ણય ઉપરાંત ગાય-ભેંસની કુરબાની માટે પણ નિયમો બનાવાયા છે. સુવેન્‍દુ સરકારે રોડ પર નમાઝ અદા કરવાની પ્રવૃત્તિ બંધ કરાવ્‍યા પછી રાજધાની કોલકાતામાં ૧૦૭ વર્ષ જૂના ઈતિહાસે પણ કરવટ લીધી છે. કોલકાતાની લાઈફલાઈન ગણાતા રેડ રોડ પર વર્ષમાં બે વખત નમાઝ પઢવામાં આવે છે અને આ રોડ બંધ કરી દેવાય છે. આ વર્ષે બકરી ઈદની નમાઝ મુખ્‍ય રોડના બદલે મેદાન પર અદા કરવામાં આવી હતી. 

કોલકાતાના મુખ્‍ય રોડને રેડ રોડ કહેવામાં આવે છે. અનેક પર્યટન સ્‍થળો તથા શહેરના મહત્ત્વના વિસ્‍તારોને સાંકળતા રેડ રોડનો ઉપયોગ ઘણી વખત સ્‍વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની પરેડ માટે થતો હોય છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન રોયલ એરફોર્સના વિમાનો માટે આ રોડનો રન વે તરીકે ઉપયોગ થયેલો હતો. ૧૯૧૯ના વર્ષમાં શહી મીનાર મેદાનમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રેડ રોડ પર નમાઝ પઢવામાં આવી હતી. ત્‍યારબાદ મેદાન પર નમાઝની પ્રથા બંધ થઈ અને રેડ રોડ પર નમાઝ શરૂ થઈ. પૂર્વ મુખ્‍યમંત્રી મમતા બેનરજી પોતાના કાફલા સાથે રેડ રોડ પર નમાઝમાં ભાગ લેતા હતા અને ઈદની બધાઈ આપતા હતા. આ વર્ષે બકરી ઈદની નમાઝ રેડ રોડના બદલે બરિગેડ પરેડ ગ્રાઉન્‍ડમાં અદા કરાઈ હતી.

ભાજપના સુવેન્‍દુ અધિકારીએ મુખ્‍યમંત્રી પદ સંભાળ્‍યા પછી રોડ પર નમાઝ પઢવાની પ્રવૃત્તિ બંધ કરાવી હતી. રોડ પર નમાઝ કરવાથી રસ્‍તાઓ પર કલાકો સુધી ટ્રાફિક જામ રહેતો હતો અને સ્‍થાનિક રહીશોની અવર-જવર પણ મુશ્‍કેલ બનતી હતી. સરકારે સામાન્‍ય નાગરિકોને પડી રહેલી હાલાકીનું કારણ દર્શાવી રોડ પર નમાઝ બંધ કરવા આદેશ આપ્‍યા હતા. શરૂઆતમાં સરકારના આ નિર્ણયનો રાજ્‍યભરમાં વિરોધ થયો હતો, પરંતુ બાદમાં મુસ્‍લિમ સમુદાયે પરિવર્તનને સ્‍વીકાર્યુ હતું. કોલકાતાની પ્રસિદ્ધ નખોદા મસ્‍જિદના ઈમામ શફીક કાસમીએ બદલાવને સકારાત્‍મક ગણાવતા કહ્યું હતું કે, રેડ રોડથી બ્રિગેડ પરેડ ગ્રાઉન્‍ડ માત્ર અડધો કિમી દૂર છે. ખુલ્‍લી જગ્‍યા હોવાના કારણે નમાઝ અદા કરવાની સુવિધા રહેશે અને તંત્ર માટે પણ વ્‍યવસ્‍થા સંભાળવાનું સરળ બનશે.

(10:27 AM IST)