<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

આસામના જંગલોમાં છુપાયેલો ૧,૦૦૦ વર્ષ જૂનો વૈભવ પ્રગટ થયો: કાર્બી આંગલોંગમાંથી મળ્યા અદ્ભુત પ્રાચીન શિલ્પો અને રહસ્યમય શિલાલેખો!

૨૦૦ વર્ષ જૂના તળાવો પાસે પથ્થર પર કોતરેલા ભગવાન ગણેશ અને શિવલિંગ મળ્યા; સ્થાનિકો આ સ્થળને મહાભારત કાળના 'અશ્વમેધ યજ્ઞ' સાથે જોડે છે, કલાકૃતિઓ મ્યુઝિયમને સોંપાઈ

તા. ૨૦, જુલાઈ ૨૦૨૬: દિફુ: પૂર્વોત્તર ભારતના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરે તેવી એક અત્યંત મહત્વપૂર્ણ પુરાતત્વીય શોધ આસામના સૌથી મોટા જિલ્લા કાર્બી આંગલોંગમાંથી સામે આવી છે. જિલ્લાના ફુલોની વિસ્તારમાં આવેલા સાર્થે રોંગફાર ગામમાં ખોદકામ દરમિયાન સદીઓ જૂના ભવ્ય પથ્થર શિલ્પો, ઐતિહાસિક શિલાલેખો અને પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે. આ અણધારી શોધે આસામના પ્રાચીન સાંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસને ફરીથી લખવા માટે સંશોધકોને મજબૂર કર્યા છે.

અંતરિયાળ ગામમાંથી મળ્યો આધ્યાત્મિક ખજાનો

મળતી માહિતી મુજબ, આ પ્રાચીન અવશેષો ગામમાં આવેલા આશરે બે સદી જૂના તળાવોની આસપાસથી મળી આવ્યા છે. અહીં એક વિશાળ ખડક પર કળાત્મક રીતે કોતરેલી ભગવાન ગણેશની આકર્ષક પ્રતિમા, પવિત્ર શિવલિંગ અને મંદિરોના સ્થાપત્યના જટિલ ટુકડાઓ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં નિષ્ણાતોનું અનુમાન છે કે આ કલાકૃતિઓ ૧૦મીથી ૧૨મી સદીની (આશરે ૧,૦૦૦ વર્ષ જૂની) હોઈ શકે છે અને તે સમયના અહોમ (Ahom) શાસનકાળ અથવા તેની સમકાલીન કલા શૈલી સાથે મેળ ખાય છે.

મહાભારત કાળ અને અશ્વમેધ યજ્ઞનું કનેક્શન?

આ શોધને લઈને પુરાતત્વવિદો વૈજ્ઞાનિક વિશ્લેષણ અને કાર્બન ડેટિંગની તૈયારી કરી રહ્યા છે, ત્યારે સ્થાનિક લોકો અને પરંપરાગત માન્યતાઓમાં આ સ્થળને લઈને ભારે ઉત્સાહ છે. લોકવાયકાઓ અનુસાર, આ વિસ્તારનો સંબંધ સીધો મહાભારત યુગ અને પાંડવોના 'અશ્વમેધ યજ્ઞ' સાથે જોડાયેલો છે. જો કે, પુરાતત્વવિદોનું કહેવું છે કે શિલાલેખો પર કોતરેલી લિપિનો ઊંડો અભ્યાસ કર્યા બાદ જ તે સમયના વાસ્તવિક શાસકો, ભાષા અને સામાજિક પ્રથાઓ વિશે સચોટ માહિતી બહાર આવી શકશે.

જિલ્લા કમિશનરે શેર કરી વિગતો: ગ્રામજનોએ દાખવી ઉદારતા

કાર્બી આંગલોંગના જિલ્લા કમિશનર અરણ્યક સૈકિયાએ આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધા બાદ સોશિયલ મીડિયા પર તેની ઝલક શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, ગાઢ જંગલો અને મુશ્કેલ ભૂપ્રદેશને કારણે આસામના ઘણા ઐતિહાસિક સ્થળો હજુ પણ અન્વેષિત (Unexplored) છે. કમિશનરે સાર્થે રોંગફાર ગામના લોકો અને તેમના 'ગાંવબુરહા' (ગામના વડા) નો આભાર માનતા લખ્યું કે, ગ્રામજનોએ સ્વેચ્છાએ આ તમામ દુર્લભ અને અમૂલ્ય પુરાતત્વીય કલાકૃતિઓને સુરક્ષિત સંરક્ષણ માટે 'જિલ્લા સંગ્રહાલય, દિફુ' ને સોંપવાનો એક પ્રશંસનીય અને ઐતિહાસિક નિર્ણય લીધો છે.

 

(3:54 PM IST)