News of Monday, 4th May 2026
વીમા ક્ષેત્રે ઓટોમેટિક રૂટથી ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને મંજૂરી
સ્થાનિક વીમા કંપનીઓમાં હવે સંપૂર્ણ વિદેશી માલિકી શક્ય બનશેઃ સરકારે ભારતીય વીમા ક્ષેત્રને વિદેશી કંપનીઓ માટે ખુલ્લું મુક્યું

નવી દિલ્હી તા.૪: વીમા ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારો કરતા મહત્વના નિર્ણય અંતર્ગત કેન્દ્ર સરકારે વીમા કંપનીઓમાં ઓટોમેટિક રૂટથી ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ)ને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. દેશના વીમા ક્ષેત્રે વિદેશી ભાગીદારી વધારવા અને વીમાનો પ્રસાર વધારવા માટેના આ નિર્ણયને પગલે હવે આ ક્ષેત્રમાં વીમા કંપનીઓમાં સંપૂર્ણ વિદેશી માલિકી શક્ય બનશે. જોકે દેશની સૌથી મોટી જીવન વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) અલગ નિયમોને અનુસરવાનું ચાલુ રાખશે. જે મુજબ તેમાં ઓટોમેટિક રૂટથી એફડીઆઈની મર્યાદા ૨૦ ટકા સુધી મર્યાદિત રખાઈ છે. આ નવા નિયમો સબકા બીમા સબકી રક્ષા (વીમા કાયદામાં સુધારા)એક્ટ, ૨૦૨૫ અંતર્ગત લાગુ કરાયા છે. આ એક્ટથી વીમા ક્ષેત્રે વિદેશી રોકાણની મર્યાદા ૭૪% થી વધારીને ૧૦૦% કરવાનો માર્ગ મોકળો બન્યો હતો. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ બિલ કાયદામાં પરિવર્તિત થયું હતું.
નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી અનુસાર, ઓટોમેટિક રૂટના માધ્યમથી ભારતીય વીમા કંપનીની કુલ ભરપાઈ ઈક્વિટી કેપિટલના ૧૦૦ ટકા સુધી વિદેશી રોકાણને મંજૂરી અપાશે. આ રોકાણ વીમા નિયામક ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઈરડા)ની મંજૂરી અને ચકાસણીને અધિન રહેશે. અગાઉ નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, આ કાયદાની કલમ-૨૫ સિવાયની મોટાભાગની જોગવાઈઓ ૫મી ફેબ્રુઆરીથી અમલી બનશે.
ડીપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રમોશન એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ની એક યાદીમાં જણાવ્યાં અનુસાર, પોર્ટફોલિયો રોકાણકારો સહિતના વિદેશી રોકાણકારો હવે સ્થાનિક વીમા કંપનીઓમાં ઓટોમેટિક રૂટ થકી રોકાણ કરી શકશે. અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૬માં DPIIT એ વીમા ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફડીઆઈને મંજૂરી આપતું નોટિફિકેશન જારી કર્યું હતું.
સરકાર દ્વારા વિદેશી સીધા રોકાણ માટે કેટલીક ચોક્કસ શરતો નિર્ધારીત કરાઈ છે. જે મુજબ, ભારતીય વીમા કંપનીના ઇક્વિટી શેરમાં વિદેશી રોકાણકારો અને પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા કરવામાં આવતું કુલ વિદેશી રોકાણ હવે તે કંપનીની પેઈડ-અપ ઇક્વિટી કેપિટલના ૧૦૦ ટકા સુધી કરી શકાશે. આ ઉપરાંત વિદેશી રોકાણ ધરાવતી વીમા કંપનીઓએ કંપનીના ચેરપર્સન, મેનેજિગ ડિરેક્ટર અથવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) જેવા ટોચના હોદ્દા પર ઓછામાં ઓછાં એક ભારતીય નાગરીકની ફરજિયાત નિમણુક કરવાની રહેશે.
ઈરાડાના નિયમોનુસાર, ૧૦૦ ટકા એફડીઆઈની મર્યાદા બ્રોકર્સ, રીઈન્સ્યોરન્સ બ્રોકર્સ, કોર્પોરેટ એજન્ટ્સ, થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર્સ, સર્વેયર્સ અને લોક એસેસર્સ, એજન્ટ્સનું સંચાલન કરનારાઓ તથા ઈન્સ્યોરન્સ રિપોઝિટરીઝ સહિતની વીમા કંપનીની મધ્યસ્થીઓને લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, વીમા કંપનીઓની ઈન્ટરમીડિયરીઝમાં સંપૂર્ણ વિદેશી માલિકીને ભારતે ૨૦૨૦માં જ મંજૂરી આપી હતી, જ્યારે એલઆઈસીમાં ૨૦ ટકા એફડીઆઈને ૨૦૨૨માં મંજૂરી અપાઈ હતી.
નાણાકીય વર્ષ દરમિયાન નોન-ઈન્સ્યોરન્સ કારોબારની ૫૦ ટકાથી વધુ આવક ધરાવતી અને ઈન્સ્યોરન્સ ઈન્ટરમીડિયરીઝ તરીકે કામ કરતી બેન્કોએ વિદેશી રોકાણ માટે બેન્કિંગ સેક્ટરના જ નિયમોનો પાલન કરવાનું રહેશે. જે કંપનીની માલિકીમાં વિદેશી રોકાણનો હિસ્સો વધારે હોય તેવી કંપનીઓએ કંપનીઝ એક્ટ, ૨૦૨૩ હેઠળ લિમિટેડ કંપનીની રચના કરવાની રહેશે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
