તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
૧૦૦ તો ફક્ત એક નંબર છે, રૂપિયાને પડવા દો...
RBIને નાણા પંચના અધ્યક્ષની ચોંકાવનારી સલાહ...રૂપિયાને બચાવવાનો પ્રયાસ દેશ માટે નુકસાનકારક : ઇંધણ કટોકટી ટૂંકા ગાળા (૩ મહિનાથી ૧ વર્ષ) માટે હશે, તો રૂપિયો અત્યારે ભલે ઘટે, પણ આગૃ જતાં તેલ આયાત બિલ ઓછું થતાં જ રૂપિયો આપમેળે મજબૂત થઈ જશે

નવી દિલ્હી તા.૨૨: મિડલ ઈસ્ટના ઇંધણ સંકટ અને વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલ વચ્ચે ભારતીય ચલણ રૂપિયાના મૂલ્યમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ડોલર સામે રૂપિયો ૧૦૦ ની ઐતિહાસિક સપાટી તરફ આગૃ વધી રહ્યો છે ત્યારે ભારતીય રિઝર્વ બેંક (RBI) ને દેશના ૧૬મા નાણા પંચના અધ્યક્ષ અને જાણીતા અર્થશાષી અર્વિદ પનગઢિયાએ એક ચોંકાવનારી સલાહ આપી છે.
મિડલ ઈસ્ટમાં હોર્મુઝની ખાડી બંધ થવાના કારણે ઉભા થયેલા તેલ સંકટ વચ્ચે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આરબીઆઈ રૂપિયાને ૧૦૦ ના મનોવૈજ્ઞાનિક સ્તરે પહોંચતો રોકવા માટે અબજો ડોલર ખર્ચી રહી હોવાના અહેવાલો વચ્ચે દેશના નાણા પંચના અધ્યક્ષ અર્વિદ પનગઢિયાએ સેન્ટ્રલ બેંકને આગ્રહ કર્યો છે કે તેઓ રૂપિયાને બચાવવાનો પ્રયાસ ન કરે. પનગઢિયાએ તર્ક આપ્યો છે કે, ૧૦૦ એ માત્ર એક આંકડો છે, જેમ ૯૯ અને ૧૦૧ છે. વર્તમાન વૈશ્વિક તેલ સંકટના જવાબમાં કરન્સીનું નબળું પડવું એ જ અર્થતંત્ર માટે કુદરતી અને યોગ્ય ઉપાય છે.
તેમણે ઉમેર્યું કે, જો આ ઇંધણ કટોકટી ટૂંકા ગાળા (૩ મહિનાથી ૧ વર્ષ) માટે હશે, તો રૂપિયો અત્યારે ભલે ઘટે, પણ આગૃ જતાં તેલ આયાત બિલ ઓછું થતાં જ રૂપિયો આપમેળે મજબૂત થઈ જશે. વળી, રૂપિયો સસ્તો થવાથી વિદેશી મૂડી ભારતમાં રોકાણ માટે આકર્ષાશે. પરંતુ, જો આ સંકટ લાંબુ ચાલશે, તો રૂપિયાને બચાવવાના તમામ સરકારી પ્રયાસો નિષ્ફળ જશે. આરબીઆઈ ગમે તેટલા ડોલર માર્કેટમાં ઠાલવશે, વિદેશી હૂંડિયામણ ભંડાર એક દિવસ ખાલી થઈ જશે. તેમણે વધુ વ્યાજવાળા એનઆરઆઈ (NRI) ડિપોઝિટ અથવા ડોલર બોન્ડ બહાર પાડવાની રણનીતિને નકામી ગણાવી છે, કારણ કે તેનાથી માત્ર ધનિક પ્રવાસી ભારતીયોને જ ફાયદો થાય છે અને દેશ પર મોંઘું દેવું વધે છે.
અર્વિદ પનગઢિયાએ ચાલુ વર્ષ ૨૦૨૬ ની સ્થિતિની સરખામણી વર્ષ ૨૦૧૩ના કરન્સી ક્રાઇસિસ સાથે કરતાં જણાવ્યું કે, આ ૨૦૧૩ નું ભારત નથી. તે સમયે દેશમાં મોંઘવારી બે આંકડામાં (૧૦% થી ઉપર) હતી અને આર્થિક તણાવ વધુ હતો. આજે આપણી આર્થિક સ્થિતિ ઘણી મજબૂત છે. આથી, આપણું અર્થતંત્ર રૂપિયાના અવમૂલ્યન (Devaluation) ને કારણે આવનારા સામાન્ય મોંઘવારીના દબાણને ખૂબ જ સરળતાથી પચાવી શકે તેમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાણા પંચના અધ્યક્ષનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે બુધવારે ભારતીય રૂપિયો ઇતિહાસના સૌથી નીચલા સ્તરે ડોલર સામે ૯૬.૯૫ પર પહોંચીને ૯૬.૮૬ પર બંધ રહ્યો હતો. જો કે, ગુરુવારે વૈશ્વિક રાજકારણમાં થોડો તણાવ ઘટતાં અને ક્રૂડ ઓઇલના ભાવ તૂટતાં રૂપિયામાં ૪૯ પૈસાનો જોરદાર ઉછાળો આવ્યો હતો અને તે ૯૬.૩૭ પર બંધ રહ્યો હતો. આમ છતાં, નિષ્ણાતો માની રહ્યા છે કે લાંબા ગાળે રૂપિયાએ ૧૦૦ ની સપાટી વટાવવી જ પડશે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
