તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
૧૦૦ ટકા દિવ્યાંગ છોકરો મોઢેથી પરીક્ષા પેપર લખીને ટોપર બન્યો
મોઢેથી લખીને કરી કમાલઃ શારીરિક પડકારો હોવા છતાં એક વિદ્યાર્થીએ પોતાની મહેનત અને હિમતથી ઇતિહાસ રચી દીધો

ગોડ્ડા,તા.૨૭: ક્યારેક કેટલીક વાર્તાઓ એવી હોય છે જે સીધી દિલને સ્પર્શી જાય છે અને આપણને જીવનને જોવાનો લ્લષ્ટિકોણ બદલવા મજબૂર કરી દે છે. ઝારખંડના ગોડ્ડા જિલ્લામાંથી આવેલી ફૈઝાનની કહાની પણ કંઈક એવી જ છે, જ્યાં શારીરિક પડકારો હોવા છતાં એક વિદ્યાર્થીએ પોતાની મહેનત અને હિમતથી ઇતિહાસ રચી દીધો.
સંઘર્ષથી સફળતા સુધીની સફરમાં મોહમ્મદ ફૈઝાને મેટ્રિકની પરીક્ષામાં ૯૩.૮ ટકા માર્ક્સ મેળવીને રાજ્યમાં દિવ્યાંગ કેટેગરીમાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે. તેની આ સફળતા એટલા માટે પણ ખાસ બની જાય છે કારણ કે તે ૧૦૦ ટકા દિવ્યાંગ છે. તે પોતાના હાથથી લખી શકતો નથી એટલે મોઢાથી પેન પકડીને પરીક્ષા આપે છે. આ સાંભળવામાં જેટલું કઠિન લાગે છે, વાસ્તવમાં એનાથી ક્યાંય વધુ પડકારજનક છે.
ફૈઝાને આ બધી મુશ્કેલીઓને પોતાના રસ્તાની બાધા બનવા દીધી નથી. તેણે પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું અને દરરોજ મહેનત કરતો રહ્યો. મર્યાદિત સંસાધનો અને અનેક પ્રકારની પરેશાનીઓ હોવા છતાં તેણે ભણતરને પ્રાથમિકતા આપી અને આજે એનું પરિણામ સૌની સામે છે.
ફૈઝાનનું કહેવું છે કે ભણવા પ્રત્યે તેની અભિરુચિ શરૂઆતથી જ હતી. શરૂઆતમાં મોઢેથી લખવું ખૂબ જ કઠિન હતું અને એમાં ઘણો સમય લાગતો હતો, પરંતુ તેણે હાર માની નહીં. સતત અભ્યાસ અને ધૈર્યના બળે તેણે આને પોતાની તાકાત બનાવી લીધી. પરીક્ષા દરમ્યાન સમયનું મેનેજમેન્ટ તેના માટે સૌથી મોટો પડકાર હતો, પરંતુ તેણે પહેલેથી તૈયારી કરીને એને સંભાળી લીધું. ફૈઝાનનું કહેવું છે કે જો માણસ નક્કી કરી લે તો કોઈ પણ કામ અશક્ય નથી હોતું.
ફૈઝાનને ૧૦૦ ટકા સેરિબ્રલ પોલ્ઝી છે. ઝારખંડમાં લગભગ પચીસ વર્ષમાં પહેલી વાર કોઈ દિવ્યાંગ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં ટોપ કર્યું છે, જેને કારણે આ સિદ્ધિ વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
તેના પિતાએ પોતાના દીકરાની સફળતા પર ગર્વ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ પરિવાર માટે ખૂબ જ ખુશીની ક્ષણ છે. તેમણે ઉમેર્યું કે તે ફૈઝાનને તેની શૈક્ષણિક સફર અને ઉચ્ચ શિક્ષણની યોજનાઓમાં સમર્થન આપતા રહેશે.
મોટું સપનું અને આગળની યોજનાની વાત કરીએ તો આટલા પડકારો હોવા છતાં ફૈઝાન હવે વધુ ઊંચું લક્ષ્ય રાખી રહ્યો છે. તે ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC)ની પરીક્ષા આપવાની યોજના બનાવી રહ્યો છે અને પહેલા જ પ્રયાસમાં એને પાસ કરીને સિવિલ સર્વિસમાં જોડાવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
