તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
ટ્રમ્પ-પુતિન વચ્ચે ૧ કલાકની સીધી વાતચીત: યુક્રેન યુદ્ધ અને નવી વૈશ્વિક શક્તિ સમીકરણો પર મંથન
સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરના મોસ્કો-કિવ પ્રવાસ બાદ બેકચેનલ રાજદ્વારી તેજ : યુરોપ પર હુમલો ન કરવાની પુતિનની ખાતરી વચ્ચે યુરોપિયન યુનિયનમાં ભારે ચિંતા

મોસ્કો : ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મંગળવારે યોજાયેલી એક કલાક લાંબી સીધી વાતચીતે સમગ્ર વૈશ્વિક રાજકારણમાં ભારે ઉત્તેજના સર્જી દીધી છે. ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ જેરેડ કુશનરે તાજેતરમાં જ મોસ્કો ખાતે વ્લાદિમીર પુતિન અને કિવમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સકી સાથે ગુપ્ત બંધ બારણે બેઠકો યોજી હતી. આ રાજદ્વારી મિશનથી મળેલા ફીડબેક બાદ યોજાયેલા આ ફોન કોલમાં બંને નેતાઓ વચ્ચે અત્યંત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વાટાઘાટો થઈ હતી. ક્રેમલિનના સલાહકાર યુરી ઉષાકોવે પુષ્ટિ કરી છે કે આ વાતચીત માત્ર ઔપચારિક નહોતી, પરંતુ યુક્રેન સંઘર્ષના કાયમી ઉકેલ અને યુએસ-રશિયા વચ્ચેના સંબંધોના પુનર્નિર્માણ તરફ નિર્દેશ કરે છે.
આ સશક્ત બેકચેનલ ડિપ્લોમસી વચ્ચે સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે વ્લાદિમીર પુતિને ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ ખાતરી આપી કે રશિયાનો બાકીના યુરોપ કે નાટો દેશો પર હુમલો કરવાનો કે કોઈ આક્રમણ કરવાનો કોઈ ઈરાદો નથી. લાંબા સમયથી પોલેન્ડ અને પશ્ચિમી દેશોમાં જે ભયનો માહોલ હતો કે યુક્રેન પછી રશિયા સમગ્ર યુરોપ તરફ આગળ વધશે, તે આશંકાને પુતિને ફગાવી દીધી છે. બદલામાં, ટ્રમ્પે ભાર મૂક્યો હતો કે યુક્રેન યુદ્ધનો ઝડપી અને સન્માનજનક અંત આવવો જરૂરી છે, જેથી અમેરિકા અને રશિયા વચ્ચેના આર્થિક અને રાજદ્વારી સંબંધોનો એક નવો યુગ શરૂ થઈ શકે.
જોકે, બે મહાસત્તાઓના આ સીધા સંપર્કથી યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને યુરોપિયન યુનિયનના નેતાઓમાં ભારે ફાળ પડી છે. નાટો દેશોને ડર છે કે ટ્રમ્પ યુરોપિયન સુરક્ષા ગેરંટીઓને બાજુ પર મૂકીને અને યુક્રેનની જમીની સરહદો અંગે રશિયા સાથે સીધો અલગ કરાર કરી શકે છે. વિટકોફ અને કુશનરની મધ્યસ્થતા બાદ હવે ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે પણ વાતચીત થવાની શક્યતા છે, પરંતુ જે રીતે રશિયા અને યુએસ પડદા પાછળથી પત્તા ગોઠવી રહ્યા છે તેનાથી પશ્ચિમી દેશોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
