<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

હોર્મુઝ ખાડીમાં જંગે જોર પકડ્યું: અમેરિકા અને ઈરાન વચ્ચે જહાજો પર ભીષણ મિસાઈલ હુમાલાથી મહાવિનાશ

નાકાબંધી યથાવત્ રહેતા વૈશ્વિક બજારમાં સનસનાટી: દરિયાઈ માર્ગે ખળભળાટ મચી જતાં શાસકોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:વૈશ્વિક વેપાર માટે અત્યંત સંવેદનશીલ ગણાતી હોર્મુઝની ખાડીમાં પરિસ્થિતિ અત્યંત વિસ્ફોટક બની ગઈ છે. ઈરાન દ્વારા જારી રાખવામાં આવેલી કડક નાકાબંધી અને અમેરિકી દળો સામે ચાલી રહેલા ટકરાવ વચ્ચે ફરી એકવાર ભીષણ મિસાઈલ હુમલાઓ થયા છે. અમેરિકી સેના દ્વારા ઈરાનના દરિયાકાંઠે અને હોર્મુઝ વિસ્તારમાં કરાયેલા તોફાની હવાઈ હુમલાઓમાં ઈરાની મિલિટરી ઠેકાણાઓ અને એર ડિફેન્સ સિસ્ટમનો ભૂરસ મચી ગયો છે, જેના જવાબમાં સમુદ્રમાં પસાર થતાં જહાજોને નિશાન બનાવવામાં આવતા આંતરરાષ્ટ્રીય જળમાર્ગે ભયાનક અરાજકતા ફેલાઈ ગઈ છે.
અમેરિકન સેનાએ કહ્યું કે, ઓમાનની ખાડીમાંથી પસાર થઈ રહેલા એક કોમર્શિયલ જહાજના ક્રૂને વારંવાર ચેતવણી અપાઈ હતી, પરંતુ તેમણે તેની અવગણના કરી હતી. આ જહાજ ઈરાનના એક પોર્ટ પર રોકાયા પછી અમેરિકન નાકાબંધી તોડીને હોર્મુઝની ખાડીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો હતો. અમેરિકન સૈન્ય વિમાને સેન્ટ કિટ્સના ઝંડાવાળા માલવાહક જહાજ એમવી હુડાના પાછળના ભાગને નિશાન બનાવતા સચોટ હુમલો કર્યો હતો. જહાજના ક્રૂને અગાઉથી જ ચેતવણી આપી દેવાઈ હોવાથી આ હુમલામાં કોઈ જાનહાની થઈ નહોતી.
અમેરિકન સેનાએ ક્ષેત્રમાં બધા જ કોમર્શિયલ જહાજોના સંચાલકોને ચેતવણી આપી છે કે તેઓ ઈરાનના દરિયાકાંઠાના વિસ્તાર અને આજુબાજુના સમુદ્રી માર્ગો પરથી પસાર થતી વખતે અમેરિકન સેનાના નિર્દેશોનું પાલન કરે. અમેરિકન સેના મુજબ જુલાઈથી તેની નાકાબંધી લાગુ થયા પછી અત્યાર સુધીમાં ૧૪૭ કોમર્શિયલ જહાજોને રોકીને તેમનો રસ્તો બદલવા મજબૂર કરાયા છે. સાથે તેણે અત્યાર સુધીમાં ઈરાનના ૧૦ કોમર્શિયલ ઓઈલ ટેન્કરોનો નાશ કર્યો છે. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાનના યુદ્ધ સાથે સાઉદી અરબ અને હુથી બળવાખોરોનું યુદ્ધ પણ દિવસે ને દિવસે વકરી રહ્યું છે.
સાઉદી અરબના હવાઈ હુમલાના જવાબમાં હુથી બળવાખોરોએ રવિવારે સાઉદીની રાજધાની રિયાધ અને સરકારી ઓઈલ રિફાઈનરી અરામકોની ઈમારત પર મિસાઈલ હુમલા કર્યા હતા. હુથી સૈન્ય પ્રવક્તા યાહ્યા સારીએ દાવો કર્યો કે તેમણે બેલિસ્ટિક મિસાઈલો, ક્રૂઝ મિસાઈલો અને ડ્રોનનો ઉપયોગ કરીને સાઉદીના મુખ્ય રણનીતિક તથા સૈન્ય સ્થળો પર છ અભિયાન ચલાવ્યા છે. હુથી પ્રવક્તા મુજબ તેમણે રિયાધ સ્થિત કિંગ ખાલેદ આંતરરાષ્ટ્રી એરપોર્ટ, ઓઈલ સ્ટોરેજ ટેન્કો અને અરામકોના ડિસ્ટિલેશન ટાવરને નિશાન બનાવ્યા હતા. અન્ય હુમલો ખુરૈસ સ્થિત અરામકોના સ્થળો પર અને ત્રીજો હુમલો દવાદમી ક્ષેત્રમાં પમ્પિંગ સ્ટેશન પર કરાયો હતો. અન્ય એક અભિયાનમાં નજરાન સ્થિત નેશનલ ગાર્ડ કેમ્પમાં સાઉદી સૈન્ય ટુકડીઓ, પાંચમા અભિયાનમાં અલ-જૌફના પૂર્વીય વિસ્તારો તથા છઠ્ઠા અભિયાનમાં મારિબમાં સાઉદી સેનાના સ્થળોને નિશાન બનાવાયા હતા. તેમણે ચેતવણી આપી કે સાઉદી અરબે સના, અલ-જૌફ, તાઈઝ, સાદા અને મારિબ સહિત અનેક પ્રાંતોમાં ૧૦૫ હવાઈ હુમલા કર્યા હતા, જેના જવાબમાંઆ હુમલા કરાયા હતા અને હજુ આગળ પણ આવા હુમલા ચાલુ રહેશે.

 

(5:39 PM IST)