<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

અમેરિકાના ગુપ્તચર અને સાયબર સુરક્ષા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: અમેરિકી ગુપ્તચર એજન્સી CIA અને અન્ય એજન્સીઓના સિસ્ટમ પર સાયબર હુમલાથી ભારે હાહાકાર

ઓપન-સોર્સ ઇન્ટેલિજન્સ નેટવર્કમાં અનધિકૃત ઘૂસણખોરીના અહેવાલોથી સુરક્ષા વર્તુળોમાં ખળભળાટ: ક્લાસિફાઈડ સિસ્ટમ સુરક્ષિત હોવાના દાવા વચ્ચે કયા ડેટા પર અસર પડી અને હુમલાખોરો કોણ હતા તે અંગે તપાસ તેજ:આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા અને ચકચાર

નવી દિલ્હી:અમેરિકાની સુરક્ષા અને ગુપ્તચર વ્યવસ્થાને લઈને એક અત્યંત સનસનાટીભર્યા અને ચર્ચાસ્પદ સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA સાથે સંકળાયેલા સિસ્ટમ પર સાયબર હુમલાની ઘટના સામે આવતા વૈશ્વિક સ્તરે ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.
ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, આ સાયબર હુમલાની અસર ઓફિસ ઓફ ધ ડિરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ (ODNI) પર પણ પડી છે. આ ઘટના બાદ અમેરિકાના ગુપ્તચર નેટવર્કની સુરક્ષાને લઈને નવી ચિંતાઓ ઊભી થઈ છે. CIA ની આ સિસ્ટમનો ઉપયોગ વિશ્વભરમાં સંભવિત ખતરાઓ ઓળખવા અને મહત્વની માહિતી એકત્ર કરવા માટે થતો હતો.
આ સાયબર હુમલા પાછળ કોનો હાથ છે, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં પણ હેકર્સે સિસ્ટમમાં કઈ પદ્ધતિથી પ્રવેશ કર્યો તે અંગે કોઈ ખુલાસો કરાયો નથી.
તાજેતરના સમયમાં અમેરિકામાં સાયબર હુમલા અને ટેકનિકલ ખામીઓની ઘટનાઓ વધી રહી છે, જેમાં આ ઘટનાને ગંભીર માનવામાં આવી રહી છે. અગાઉ અમેરિકન કૃષિ વિભાગમાં પણ સાયબર સેંધમારી થઈ હતી, જ્યારે FBI માં બે અલગ-અલગ સાયબર હુમલા સામે આવ્યા હતા.
આ ઉપરાંત પેન્ટાગોન અને અમેરિકન ગૃહ સુરક્ષા વિભાગ પણ તાજેતરની સાયબર ઘટનાઓથી પ્રભાવિત થયા છે. થોડા દિવસો અગાઉ હેકર્સે FBI ના નેશનલ ક્રાઈમ ઈન્ફોર્મેશન સેન્ટર (NCIC) ડેટાબેઝને નિશાન બનાવ્યો હતો, જેના માધ્યમથી ફેડરલ, સ્ટેટ અને રિજનલ કાયદાકીય એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે થાય છે. NCIC પર આ બીજો સાયબર હુમલો હતો.

 

(5:39 PM IST)