News of Wednesday, 27th May 2026
વિશ્વના સૌથી પવિત્ર સ્થળ 'કાબા'ની અંદરનું અકલ્પનીય રહસ્ય, એક્સપ્લેનર રિપોર્ટ: જાણો કાબાની અંદર શું છે:સોનાના દરવાજા અને કરોડોના 'કિસ્વા'નો ભવ્ય ઇતિહાસ
૬૭૦ કિલો શુદ્ધ રેશમ અને સોના-ચાંદીના તારથી બને છે ૬૩ કરોડનું પવિત્ર વસ્ત્ર: કાબાની અંદર આવેલા ૩ મજબૂત સ્તંભો અને સોનાના દીવાઓ:ઇસ્લામ ધર્મના સર્વોચ્ચ કેન્દ્રની અંદરની અદભુત વિગતો

નવી દિલ્હી: સમગ્ર વિશ્વના કરોડો મુસ્લિમો જે પવિત્ર દિશા તરફ મોં રાખીને નમાઝ પઢે છે, તે સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં આવેલું પવિત્ર 'કાબા' (Kaaba) માત્ર આસ્થાનું જ કેન્દ્ર નથી, પરંતુ તે સ્થાપત્ય અને અદભુત ઐતિહાસિક રહસ્યોનો ભંડાર પણ છે. સામાન્ય રીતે લોકોને માત્ર બહારથી જ કાબાના દર્શન થાય છે, પરંતુ તેની અંદર શું છે અને તેના વૈભવ પાછળ શું ઇતિહાસ છે, તેની વિગતો સાચે જ આંખો પહોળી કરી દે તેવી છે.
અરબી ભાષામાં 'કાબા'નો અર્થ 'ઘન' (Cube) થાય છે. દુનિયાભરના મુસ્લિમો દિવસમાં 5 વખત નમાઝ પઢતી વખતે કાબા તરફ મુખ રાખે છે, જેને 'કિબલા' કહેવામાં આવે છે. કદની વાત કરીએ તો કાબા 13.1 મીટર (43 ફૂટ) ઊંચું, 12.8 મીટર (42 ફૂટ) લાંબું અને 11.03 મીટર (36 ફૂટ) પહોળું ઘન આકારનું બાંધકામ છે. તે ઇસ્લામનું સૌથી પવિત્ર સ્થળ છે.
ઇસ્લામિક માન્યતા અનુસાર કાબાનું નિર્માણ મૂળરૂપે પયગંબર ઇબ્રાહિમ અને તેમના પુત્ર પયગંબર ઇસ્માઇલ દ્વારા અલ્લાહના આદેશથી કરાયું હતું. ઇસ્લામ પૂર્વે, આ સ્થળ વિવિધ અરબી જાતિઓનું પૂજા સ્થળ હતું અને ત્યાં મૂર્તિઓ રખાઈ હતી, પરંતુ ઈસ. 630ની આસપાસ, જ્યારે પયગંબર મુહમ્મદ મક્કા પાછા ફર્યા ત્યારે તેમણે કાબાને મૂર્તિઓથી મુક્ત કરીને તેને અલ્લાહના પૂજા સ્થળ તરીકે પુનઃસ્થાપિત કર્યું. હજ માટે 20 લાખથી વધુ મુસ્લિમોને આકર્ષતા આ સ્થળે આખા વર્ષ દરમિયાન ઉમરાહ માટે 2 કરોડથી વધુ યાત્રાળુ આવે છે.
કાબાની ઉત્તર પૂર્વીય દીવાલ પર જમીનથી લગભગ 2 મીટરની ઊંચાઈએ એક ભવ્ય દરવાજો છે. આ દરવાજો 3 મીટર ઊંચો અને 1.9 મીટર પહોળો છે, જેને બનાવવા માટે 280 કિલોગ્રામ શુદ્ધ સોનાનો ઉપયોગ કરાયો છે! આ દરવાજો વર્ષમાં માત્ર 2 વાર જ અંદરની ઔપચારિક સફાઈ માટે ખોલાય છે.
કાબાની અંદર છતને ટેકો આપવા માટે લાકડાના 3 મજબૂત થાંભલા છે અને છત તરફ જતી એક સીડી છે. અંદરની ફર્શ અને દીવાલો સુંદર માર્બલથી બનેલી છે. છત પર સુંદર ફાનસ શોભે છે. અગાઉના સમયમાં દીવાલો પર લાલ, લીલા અને ઘેરા વાદળી રંગના ઝિગ-ઝેગ પેટર્નવાળા કાપડ પણ લગાવાતા હતા.
કાબાને કાળા રંગના જે કપડાં વડે ઢાંકવામાં આવે છે, એને કિસ્વા કહે છે. કાપડના 47 પટ્ટા જોડીને બનાવાયેલા 14 મીટર (45 ફૂટ) ઊંચા આ પવિત્ર કવર ‘કિસ્વા’ના ઉપરના બે-તૃતિયાંશ ભાગમાં 95 સેમી (37 ઇંચ) પહોળો અને 47 મીટર (154 ફૂટ) લાંબો સુશોભન પટ્ટો હોય છે, જેને 'હિઝામ' કહે છે. કાબાના સોનાના દરવાજા પર લટકતા પડદાને 'સિતારા' કે 'બુર્કુ' કહેવામાં આવે છે, જે કિસ્વાનો સૌથી વધુ કલાત્મક અને શણગારેલો ભાગ છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
