<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

વૈશ્વિક અર્થતંત્ર પર ટ્રમ્પનો હાઈ-વોલ્ટેજ સપાટો: રશિયા પાસેથી તેલ લીધું તો અમેરિકામાં માલ વેચવો ભૂલી જજો: ૧૦૦% ટેરિફના એલાનથી ભારતની ચિંતા વધી

રશિયન ઓઈલના કારણે ભારતે અત્યાર સુધી અબજો ડૉલર બચાવ્યા: ટ્રમ્પની નીતિથી મોંઘવારી ભડકે બળવાની આશંકા

નવી દિલ્હી : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના 'અમેરિકા ફર્સ્ટ' (America First) એજન્ડા હેઠળ વૈશ્વિક વ્યાપાર યુદ્ધની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જે દેશો રશિયા સાથે ક્રૂડ ઓઈલની ડીલ કરશે અથવા ડૉલરને બાયપાસ કરીને સ્થાનિક ચલણમાં વ્યાપાર કરવાનો પ્રયાસ કરશે, તેમના માટે અમેરિકાના બજારો બંધ કરી દેવામાં આવશે અને તેમના માલ પર ૧૦૦ ટકા જેટલી આકરી આયાત ડ્યુટી (Import Duty) લાદવામાં આવશે. ટ્રમ્પનો આ સીધો ઈશારો ભારત, ચીન અને અન્ય બ્રિક્સ (BRICS) દેશો તરફ હોવાનું માનવામાં આવે છે, જેઓ રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમી દેશોની પરવા કર્યા વિના રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યા છે.

આ બિલના કેન્દ્રમાં રહેલા 'સેક્શન 113' મુજબ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને એવો નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ એવા દેશોમાંથી આયાત થતા સામાન પર 100% સુધી ટેરિફ લગાવે, જેઓ છેલ્લા 12 મહિનામાં રશિયન તેલ અથવા ગેસના ટોપ 5 ખરીદદારોમાં સામેલ રહ્યા હોય. આ સિવાય રશિયા પર લાગેલા પ્રતિબંધોમાંથી બચવામાં મદદ કરનારા ટોપ 5 દેશો પણ આ દાયરામાં આવશે. આ નિયમનો મુખ્ય ટાર્ગેટ ચીન અને ભારત હોવાનું માનવામાં આવી રહ્યું છે. વધુમાં, આ બિલ રશિયાથી સીધા ઇમ્પોર્ટ થતા સામાન પર 500% સુધી ટેરિફ લગાવવાની સત્તા પણ આપે છે.

એકતરફ આ બિલ અન્ય દેશો પર કડક પ્રતિબંધો લાદે છે, તો બીજી તરફ અમેરિકા અને તેના યુરોપીયન સહયોગીઓ માટે તેમાં મોટી છૂટછાટો આપવામાં આવી છે.
યુરેનિયમ પર છૂટ: અમેરિકા પોતે રશિયા પાસેથી મોટી માત્રામાં લો-એનરિચ્ડ યુરેનિયમ ખરીદે છે, તેથી સેક્શન 114(e) હેઠળ રશિયન યુરેનિયમની ખરીદીને આ પ્રતિબંધોમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
યુરોપ માટે ગેસ પર રાહત: સેક્શન 113(d) હેઠળ યુરોપના એવા 15 દેશોને છૂટ આપવામાં આવી છે, જેઓ પોતાની કુલ જરૂરિયાતના 15%થી ઓછો ગેસ રશિયા પાસેથી ખરીદે છે અને નિર્ભરતા ઘટાડવા પ્રયાસ કરી રહ્યા છે. જોકે આ છૂટ માત્ર ગેસ પર છે, ક્રૂડ ઓઇલ પર નહીં.
આ જ કારણે આલોચકો આ બિલને અમેરિકાનો 'બેવડો ચહેરો' ગણાવી રહ્યા છે, કારણ કે તે પોતાની જરૂરિયાતની ઊર્જા પર પ્રતિબંધ નથી લગાવતું પણ અન્ય દેશો પર દબાણ કરી રહ્યું છે. આ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરનાર પ્રખ્યાત સેનેટર લિન્ડસે ગ્રેહામ (R-S.C.) નું આ જ અઠવાડિયે યુક્રેન પ્રવાસથી પરત ફર્યા બાદ અચાનક અવસાન થયું છે. તેમણે વ્હાઇટ હાઉસ વહીવટીતંત્ર સાથે મળીને આ કાયદો બનાવવામાં લગભગ 2 વર્ષનો સમય વિતાવ્યો હતો. તેમના નિધન બાદ આ બિલનું રાજકીય મહત્ત્વ ઘણું વધી ગયું છે અને હવે તેને વ્હાઇટ હાઉસનું પણ સમર્થન મળી રહ્યું છે.

(5:17 PM IST)