<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ઈઝરાયલની ધરતીમાંથી નીકળ્યું 'ટાઈમ મશીન': ૪ લાખ વર્ષ જૂની રહસ્યમય ગુફા મળતાં આખી દુનિયાના વૈજ્ઞાનિકો ચકરાવે ચડ્યા

માનવ સભ્યતાના ઉદ્ભવ અને આદિમાનવોના ગુપ્ત રહસ્યો પરથી વર્ષો જૂનો પડદો ઊંચકાવાની પૂરેપૂરી સંભાવના

નવી દિલ્હી:ઈઝરાયલમાં પુરાતત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન એક એવી અજાયબ ગુફા મળી આવી છે જે વિજ્ઞાન જગત માટે કોઈ 'ટાઈમ મશીન'થી કમ નથી, કારણ કે આ ગુફા આશરે ૪ લાખ વર્ષ જૂની હોવાનું સામે આવ્યું છે. વૈજ્ઞાનિકોના મતે આ ગુફામાંથી મળેલા પ્રાચીન અવશેષો અને સંકેતો આપણી માનવ સભ્યતાના અત્યાર સુધીના અકબંધ રહસ્યો ખોલવામાં ચાવીરૂપ સાબિત થઈ શકે છે, જેનાથી આદિમાનવોના જીવન અને ઉત્ક્રાંતિના ઈતિહાસને એક નવી જ દિશા મળશે. હાલ આ રહસ્યમય ગુફાની આજુબાજુ આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતોની ટીમોએ ધામા નાખ્યા છે અને વધુ સંશોધનો હાથ ધર્યા છે જેને પગલે આગામી દિવસોમાં માનવ ઈતિહાસના સૌથી મોટા ખુલાસા થવાની આશા સેવાઈ રહી છે.

ઈઝરાયલ એન્ટિક્વિટીઝ ઓથોરિટી અને હાઇફા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાલમાં અહીં ઉત્ખનનનું કામ કરવામાં આવી રહ્યું છે. આ ગુફા આશરે 4 લાખથી 2.5 લાખ વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. આ પ્રોજેક્ટને આર્કિયોલોજિસ્ટ કોબી વર્ડી, અમિત ગબાય અને પ્રોફેસર રોન લીડ કરી રહ્યા છે. તાજેતરના દાયકાઓની આ સૌથી મોટી પુરાતત્વીય શોધ માનવામાં આવી રહી છે, જે માનવ વિકાસના એવા યુગ પરથી પડદો ઉઠાવશે જેના વિશે અત્યાર સુધી ખૂબ જ મર્યાદિત માહિતી ઉપલબ્ધ હતી.

આ રહસ્યમય ગુફા લોઅર પેલિયોલિથિક યુગના અંતિમ ભાગ એટલે કે 'અચ્યુલો-યબરુડિયન કલ્ચર' (Achelo-Yabrudian Culture) સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. રિસર્ચર્સના જણાવ્યા અનુસાર, આ ગુફા એટલી શાનદાર સ્થિતિમાં છે કે તે એક સાચા ટાઇમ કેપ્સૂલની જેમ કામ કરી રહી છે, જેનાથી એવી દુર્લભ માહિતી મળી શકે છે જે વિશ્વમાં અન્ય ક્યાંયથી મળવી મુશ્કેલ છે. આ એ સમયગાળો હતો જ્યારે પૃથ્વી પર નિએન્ડરથલ અને આધુનિક માનવીઓ (હોમો સેપિયન્સ)નો ફેલાવો થયો ન હતો. આ સમયગાળો મનુષ્યોની રહેણીકરણી અને પર્યાવરણ સાથેના તાલમેલમાં આવેલા એક બહુ મોટા વૈશ્વિક બદલાવનો સાક્ષી રહ્યો છે.

પ્રોફેસર રોનના જણાવ્યા મુજબ, આ એ જ યુગ હતો જ્યારે મનુષ્યોએ એક જગ્યાએ લાંબો સમય રોકાવાનું અને મોટા સમૂહો (સોશિયલ સ્ટ્રક્ચર) બનાવવાનું શરૂ કર્યું હતું. ગુફામાંથી મળેલા પુરાવા દર્શાવે છે કે તે સમયે લોકો આગનો ભરપૂર ઉપયોગ કરતા હતા અને તેમનું સામાજિક માળખું ઘણું જટિલ અને વિકસિત થવા લાગ્યું હતું. તેઓ લાંબા સમય સુધી ગુફાઓમાં સાથે રહેતા હતા, જે સાબિત કરે છે કે તેમની વચ્ચે પરસ્પર સહયોગ ખૂબ ઊંચા સ્તરનો હતો. આ લોકો પોતાની કમ્યુનિટીમાં પોતાના જ્ઞાન અને કૌશલ્યને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડતા હતા. આ જ પાયાના પરિવર્તનોએ આગળ જતાં હોમો સેપિયન્સ એટલે કે આધુનિક માનવીના વિકાસનો પાયો નાખ્યો હતો.

(5:09 PM IST)