<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

હોર્મુઝની ખાડીમાં ‘ટાઈમ બોમ્બ’ જેવી સ્થિતિ:: યુદ્ધ વિરામ પછી પણ ૬ મહિના સુધી દુનિયા પર તોળાશે સંકટ:ભારતનો શ્વાસ અધ્ધર

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થવાની દહેશત: સમુદ્રી માર્ગો પર બિછાવેલી ‘માઈન્સ’ અને ડ્રોન હુમલાનો ફફડાટ હજુ જશે નહીં:ભારત માટે રસોઈ ગેસ અને પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાના એંધાણ:ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાતા અર્થતંત્રને મોટો ફટકો પડવાની ભીતિ

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને પગલે હોર્મુઝની સામુદ્રધુનીમાં નવું સંકટ પેદા થયું છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, જો અત્યારે યુદ્ધ અટકી પણ જાય, તો પણ આગામી ૬ મહિના સુધી આ દરિયાઈ માર્ગ સુરક્ષિત રહેશે નહીં. આ સમાચારથી ભારતની ચિંતામાં મોટો વધારો થયો છે, કારણ કે ભારતની મોટાભાગની ઉર્જા જરૂરિયાતો આ જ રસ્તેથી પૂરી થાય છે.
જાણકારોનું કહેવું છે કે, સમુદ્રમાં બિછાવવામાં આવેલી દરિયાઈ સુરંગો (Naval Mines) અને અદ્રશ્ય ડ્રોનનો ખતરો એટલો ગંભીર છે કે માલવાહક જહાજો માટે વીમા પ્રીમિયમ આસમાને પહોંચી ગયા છે. જો હોર્મુઝનો માર્ગ પ્રભાવિત થાય, તો ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો થઈ શકે છે. ભારત સરકારે અત્યારથી જ પોતાના વ્યૂહાત્મક તેલ ભંડારો (Strategic Oil Reserves) પર નજર રાખવાનું શરૂ કર્યું છે. શું ભારત આ સંકટનો સામનો કરવા માટે કોઈ નવો વિકલ્પ શોધશે? કે પછી મોંઘવારીનો વધુ એક માર જનતાએ સહન કરવો પડશે? સમગ્ર એશિયાના દેશો અત્યારે હોર્મુઝ તરફ નજર માંડીને બેઠા છે.
પશ્ચિમ એશિયામાં ભભૂકેલી યુદ્ધની જ્વાળાઓ હવે વૈશ્વિક ઉર્જા સંકટ તરફ દોરી રહી છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ એનર્જી કોરિડોર ગણાતા હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકાના પેન્ટાગોને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પેન્ટાગોનના મતે, ઈરાને આ દરિયાઈ માર્ગમાં મોટી સંખ્યામાં ખતરનાક સી-માઈન્સ બિછાવી દીધી છે, જેને સાફ કરવામાં યુદ્ધ સમાપ્ત થયા પછી પણ ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લાગી શકે છે. ઈરાન જાણી જોઈને આ સાંકડા સમુદ્રી માર્ગને બંધ રાખવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે, જેથી તે પોતાની શરતો પર અમેરિકા અને અન્ય દેશો સાથે સોદાબાજી કરી શકે. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થનારી બીજા તબક્કાની મંત્રણા પણ હાલ અટકી પડી છે.
હાઉસ આર્મ્ડ સર્વિસીસ કમિટીના સભ્યો સાથે શેર કરવામાં આવેલી રિપોર્ટ મુજબ ઈરાને હોર્મુઝમાં અંદાજે 20 કે તેથી વધુ અત્યાધુનિક સી-માઈન્સ બિછાવી છે. આમાંથી કેટલીક માઈન્સ GPS ટેકનોલોજીથી સજ્જ છે, જેને રિમોટ કંટ્રોલ દ્વારા ગમે ત્યારે છોડી શકાય છે. પેન્ટાગોનના પ્રવક્તા સીન પાર્નેલના જણાવ્યા અનુસાર, આ માર્ગને 6 મહિના સુધી બંધ રાખવો અસંભવ છે, પરંતુ તેને સુરક્ષિત બનાવવો એ એક મોટો પડકાર છે.

 

(6:02 PM IST)