તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Monday, 3rd August 2026
મોસ્કોની રેસ્ટોરાંમાં આત્મઘાતી હુમલામાં ત્રણનાં મોત:21 ઘાયલ
ભીડભાડ વાળી રેસ્ટોરાંમાં વિસ્ફોટ થતાં અફરાતફરી:રશિયન સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને ઘેરી તપાસ શરૂ કરી

નવી દિલ્હી:રશિયાની રાજધાની મોસ્કોના એક વ્યસ્ત વિસ્તારમાં આવેલી રેસ્ટોરાંમાં મોડી સાંજે થયેલા ભયાનક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે ૨૧થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રેસ્ટોરાં ગ્રાહકોથી ભરેલી હતી તે સમયે જ એક શંકાસ્પદ હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધી હતી. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે રેસ્ટોરાંના કાચ અને સામાન દૂર દૂર સુધી ફેંકાયા હતા અને આસપાસની ઇમારતો પણ ધ્રૂજી ઊઠી હતી. ઘટનાની જાણ થતાં જ રશિયન સુરક્ષા દળો, બોમ્બ સ્કવોડ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેમાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. આતંકવાદી ખૂનખરાબાની આ ઘટના બાદ સમગ્ર મોસ્કોમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
રશિયાની રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી સમિતિએ જણાવ્યું કે, શનિવારે રાતે એક અજ્ઞાાત મહિલા કુદ્રિન્સ્કાયા સ્ક્વેર પર સ્થિત બાલ્ઝી રોસી રેસ્ટોરાંમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ એક સિક્યોરિટી ગાર્ડે તેને અટકાવી હતી. મહિલા પાસે હોમમેડ ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (આઈઈડી) હતી, જે રેસ્ટોરાંમાં ઘૂસતા પહેલા જ ફાટી ગઈ હતી. આ વિસ્ફોટમાં મહિલા સાથે તેને રોકનાર સિક્યોરિટી ગાર્ડ અને એક ગ્રાહકનું મોત થયું હતું. રશિયન અધિકારીઓએ મહિલાની ઓળખ જાહેર કરી નથી અને તેણે આ હુમલો શા માટે કર્યો તે પણ જણાવ્યું નથી. મીડિયા અહેવાલ મુજબ અજ્ઞાાત મહિલા એક બોક્સ લઈને આવી રહી હતી, જેના પર સિક્યોરિટી ગાર્ડને શંકા ગઈ હતી. તેણે મહિલાની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે બોક્સમાં ગીફ્ટ છે. ગાર્ડે તેની તલાશી લેવાનો પ્રયત્ન કરતા વિસ્ફોટ થયો હતો. એજન્સીનું માનવું છે કે બોમ્બને દૂરથી જ વિસ્ફોટ કરી ઉડાવાયો હતો. મહિલાને કદાચ પેકેટમાં શું છે તેની કોઈ માહિતી નહોતી. એજન્સીને શંકા છે કે વિસ્ફોટ સમયે વૈભવી હોટેલની અંદર એક ખાનગી કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમમાં સામેલ મહેમાન આતંકીઓના નિશાના પર હોઈ શકે છે. આ કાર્યક્રમમાં સુરક્ષાની આકરી વ્યવસ્થા કરાઈ હોવાથી મૃત્યુઆંક ઓછો હતો.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
