News of Wednesday, 13th May 2026
ડિજિટલ બ્લેકઆઉટનો ખતરો: શું ખરેખર વોટ્સએપ અને UPI ઠપ થઈ જશે? ઈરાનની એક ચાલથી દુનિયાભરમાં ફફડાટ
સાયબર એટેકની આશંકા: ઈરાન-ઈઝરાયેલ જંગ હવે ઈન્ટરનેટના માધ્યમે ખેલાશે:વૈશ્વિક સર્વર પર જોખમ તોળાતા ડિજિટલ પેમેન્ટ અને મેસેજિંગ એપ્સ પર અસરની ભીતિ:શું ભારત પર પણ પડશે આની અસર? જાણો શું છે હકીકત

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે માત્ર જમીન કે આકાશ પૂરતી મર્યાદિત નથી રહી, પણ તે ડિજિટલ દુનિયા સુધી પહોંચી ગઈ છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જો ઈરાન દ્વારા મોટા પાયે સાયબર હુમલો કરવામાં આવે, તો વિશ્વના મોટા સર્વર્સ ડાઉન થઈ શકે છે, જેના કારણે વોટ્સએપ, ફેસબુક અને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ (UPI) જેવી સેવાઓ ખોરવાઈ શકે છે.
જે રીતે ઈરાને હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ લેવાનો નિર્ણય કર્યો છે, તે જ રીતે હવે આ કેબલ્સનો ઉપયોગ કરતી વિદેશી ટેક કંપનીઓ પાસેથી ફી વસૂલવા માટેની તૈયારી ઈરાન કરી રહ્યું છે. ઈરાન તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારની અંડરસી કેબલ્સનું મેન્ટેનન્સ તે પોતે જ કરશે અને ટેક કંપનીઓએ ઈરાની કાયદાઓનું પાલન કરવું પડશે. આ કેબલ્સ દ્વારા દરરોજ બેંકિંગ ટ્રાન્ઝેક્શન, ક્લાઉડ ડેટા, સોશિયલ મીડિયા અને AI સર્વિસનો ટ્રાફિક પસાર થાય છે.
વિશ્વનો આશરે 95% થી 99% ઈન્ટરનેટ ટ્રાફિક સમુદ્રની નીચેની ફાઈબર કેબલ્સ દ્વારા ચાલે છે. આ કેબલ્સ એશિયા અને યુરોપને જોડે છે. જો તેમાં કોઈ ખલેલ પહોંચે તો ભારતમાં UPI પેમેન્ટથી લઈને વીડિયો કોલિંગ અને AI સર્વર્સ સુધીની સેવાઓ ખોરવાઈ શકે છે. અત્યાર સુધી દેશો તેલ પુરવઠો રોકવાની ધમકી આપતા હતા, પરંતુ હવે ઈન્ટરનેટ કેબલ્સ દબાણ બનાવવાનું નવું માધ્યમ બની શકે છે.
નિષ્ણાતો માને છે કે, જો ઈન્ટરનેટ તેલની જેમ ભૌગોલિક રાજનીતિનું હથિયાર બની જશે, તો વૈશ્વિક ડિજિટલ ઈકોનોમી પર મોટું સંકટ આવી શકે છે. ટેક જાયન્ટ્સ માટે ઈરાનના કડક નિયમો માનવા કે કેબલના રૂટ બદલવા તે મોટો પ્રશ્ન બની રહેશે. હાલ તો આ સમાચાર ડિજિટલ વર્લ્ડ માટે ખુબ જ ચિંતાજનક છે. અનેક નિષ્ણાંતો આ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં જોવું રહ્યું કે આગામી સમયમાં શું થાય છે.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
