<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

પાકિસ્તાનમાં આતંકીઓનો કાળો કેર, બેક-ટુ-બેક બે ભયાનક રિમોટ કંટ્રોલ બ્લાસ્ટથી વાહનોના કુચ્ચેકુચ્ચા ઉડ્યા: રક્તપાતમાં ૭ લોકોના કમકમાટીભર્યા મોત, અનેક લોકો ગંભીર રીતે લોહીલુહાણ

સુરક્ષા દળોના કાફલા અને વાહનોને નિશાન બનાવી આતંકીઓએ ખેલ્યો લોહીયાળ ખેલ: સમગ્ર વિસ્તાર લશ્કરી છાવણીમાં ફેરવાયો: હુમલા બાદ આતંકવાદી સંગઠનોએ જવાબદારી સ્વીકારતાં ઇસ્લામાબાદમાં ભારે ફફડાટ

નવી દિલ્હી: પડોશી દેશ પાકિસ્તાનમાં આતંકવાદનો ભસ્માસુર બેફામ બન્યો છે અને દેશના અત્યંત સંવેદનશીલ પ્રાંતમાં એક જ દિવસમાં બેક-ટુ-બેક થયેલા હૃદયધબકાવતા આતંકી હુમલામાં તોતિંગ જાનહાનિના અહેવાલો સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સિક્યોરિટી અને ટેરર વિજિલન્સ ડેસ્ક રિપોર્ટ મુજબ, અજાણ્યા હથિયારધારી આતંકવાદીઓએ હાઈવે અને લિંક રોડ પરથી પસાર થતા સુરક્ષા દળો તેમજ સરકારી વાહનોને નિશાન બનાવી હાઈ-ઈન્ટેન્સિટી રિમોટ કંટ્રોલ બ્લાસ્ટ (IED Blasts) કર્યા હતા. આ વિસ્ફોટ એટલા શક્તિશાળી હતા કે વાહનોના રીતસરના ફુરચા ઉડી ગયા હતા અને ઘટનાસ્થળ માનવ અંગોથી પલટાઈ ગયું હતું. આ બેવડા હુમલામાં અત્યાર સુધીમાં ૭ જવાનો અથવા નાગરિકોના કરુણ મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ૧૦ થી વધુ લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

બન્નુના વજીર સબ-ડિવિઝન હેઠળ આવતા અર્ધ-જનજાતીય અને પહાડી વિસ્તાર 'મરકા બેરા'ના ફાંગ મૂસા ખેલ નામના ગામમાં આ હૃદયદ્રાવક ઘટના ઘટી છે. બન્નુના ડિસ્ટ્રિક્ટ પોલીસ ઑફિસર(DPO) યાસિર અફરીદીએ વિસ્ફોટોની પુષ્ટિ કરી છે. અહેવાલો અનુસાર, પ્રથમ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે ડેટસન કંપનીનું એક ખાનગી વાહન મુસાફરોને લઈને ડોમેલ તરફ જઈ રહ્યું હતું. આ જોરદાર વિસ્ફોટમાં વાહન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું અને 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પ્રથમ બ્લાસ્ટના ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે જ ઘટનાસ્થળથી માત્ર એક કિલોમીટર દૂર આતંકીઓએ બીજો રિમોટ કંટ્રોલ બ્લાસ્ટ કર્યો હતો. આ બીજા વિસ્ફોટમાં અન્ય એક વાહનના ફુરચા ઉડી ગયા હતા અને વધુ 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ 'રેસ્ક્યુ 1122'ની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી હતી અને તમામ મૃતદેહો તથા ઘાયલોને ડોમેલ રૂરલ હેલ્થ સેન્ટર અને ખલીફા ગુલ નવાઝ ટીચિંગ હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને આઇઈડી (IED) સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ આતંકી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે.

(5:34 PM IST)