News of Saturday, 30th May 2026
સરહદ પાર ઘૂસણખોરોમાં ભયંકર ફફડાટ: ભારત સરકારના કડક એક્શનથી બુટલેગિંગ અને ઘૂસણખોરીના નેટવર્કના લીરેલીરા: બાંગ્લાદેશને સોંપાઈ ૨,૬૮૦ શંકાસ્પદોની કડક યાદી
"ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ" નો સખત હથોડો: બોર્ડર પર રાતોરાત ઊભા કરાયા હાઈટેક 'હોલ્ડિંગ સેન્ટરો', પકડાઈ જવાના ડરે ઘૂસણખોરોમાં આંધળો દોડધામ

નવી દિલ્હી: ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને વસેલા વિદેશી તત્વો અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કેન્દ્રની સરકારે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાનૂની સર્જિકલ સ્ટ્રાઈક કરી દીધી છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા એક અત્યંત સનસનાટીપૂર્ણ અને ઐતિહાસિક પગલું ભરીને છેક ૨,૬૮૦ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની પાકી યાદી પુરાવા સાથે બાંગ્લાદેશ સરકારને સોંપી દેવામાં આવતા બંને દેશોના રાજદ્વારી વર્તુળોમાં ભારે કટોકટી અને ખળભળાટ મચી ગયો છે. સરકારના આ મજબૂત વલણથી સરહદી વિસ્તારોમાં ગેરકાયદે રહેતા લોકોના હોશ ઉડી ગયા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સાપ્તાહિક મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, ભારતે 2,680 થી વધુ કેસ બાંગ્લાદેશી સત્તાવાળાઓને સોંપ્યા છે. પ્રવક્તાએ ઉમેર્યું કે, "જેમ જ આ લોકોની રાષ્ટ્રીયતાનું વેરિફિકેશન પૂર્ણ થશે, અમે આ બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ (પરત મોકલવા) કરવાની સ્થિતિમાં હોઈશું." આમાંના ઘણા કેસો છેલ્લા 5 વર્ષ કે તેથી વધુ સમયથી વેરિફિકેશન પ્રક્રિયામાં અટકેલા છે. દ્વિપક્ષીય કરારના આધારે આ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી રહી છે.
બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતૃત્વવાળી નવી સરકાર રચાતા જ ગેરકાયદેસર પ્રવાસીઓ વિરૂદ્ધ 'ઓળખો, હટાવો અને ડિપોર્ટ કરો' ની કડક નીતિ અમલમાં મૂકવામાં આવી છે. આ કડક કાયદા, જેલવાસ અને ભારે દંડના ડરથી પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદના હાર્કિમપુર ચેકપોસ્ટ પર શુક્રવારે બાંગ્લાદેશ પરત ફરવા ઈચ્છતા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી.
વર્ષ 2017 થી બંગાળમાં રહીને રિક્ષા ચલાવતા અબ્દુલે જણાવ્યું કે, કોઈ કાયદેસરના દસ્તાવેજો ન હોવાથી નવી નીતિ હેઠળ જેલ જવાનો ડર સતાવી રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાર્યકાળમાં તેમને કોઈ તકલીફ નહોતી પડી, પરંતુ હવે સુરક્ષાને લઈને ચિંતા છે. આવી જ રીતે પ્રેમમાં પડીને દલાલને 15,000 રૂપિયા આપી સરહદ પાર કરનારી સુમૈયા ખાતુન પણ પતિ દ્વારા તરછોડાયા બાદ પોતાની 2 વર્ષની પુત્રી સાથે દસ્તાવેજોના અભાવે બાંગ્લાદેશ પરત ફરી રહી છે.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
