News of Monday, 6th July 2026
સૂર્યનારાયણ આકરા પાણીએ: 'અલ નીનો' વૈશ્વિક ગરમી અને વાતાવરણમાં વધારશે ભયાનક અનિશ્ચિતતા, વિશ્વ હવામાન વિભાગની લાલબત્તી
પૃથ્વી પર ગરમીના તમામ રેકોર્ડ તૂટવાની ભીતિ: ખેતીવાડી અને ચોમાસાના ચક્ર પર પણ મોટી આડઅસર થવાની આશંકા

નવી દિલ્હી:વિશ્વ હવામાન વિભાગ (WMO) દ્વારા જારી કરાયેલી એક ગંભીર ચેતવણી અનુસાર, દરિયાઈ પ્રવાહોમાં થતા ફેરફાર એટલે કે 'અલ નીનો'ના કારણે આગામી સમયમાં વૈશ્વિક તાપમાનમાં અસાધારણ વધારો જોવા મળશે અને વાતાવરણમાં ભારે અસ્થિરતા સર્જાશે. આ કુદરતી ફેરફારના લીધે દુનિયાભરમાં ક્યાંક ભયંકર દુષ્કાળ તો ક્યાંક અતિવૃષ્ટિ જેવી આત્યંતિક પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે, જેની સીધી અસર માનવજીવન અને વૈશ્વિક અર્થતંત્ર પર પડશે. પર્યાવરણ વૈજ્ઞાનિકોના મતે, આ વર્ષે ગરમીના નવા રેકોર્ડ બનવાની પૂરેપૂરી સંભાવના છે, જેને પગલે અત્યારથી જ તમામ દેશોને ક્લાઈમેટ ચેન્જના આ મોટા જોખમ સામે આગોતરા પગલાં લેવા માટે સાબદું કરી દેવામાં આવ્યા છે.
જ્યારે અલ-નીનો આવે છે, ત્યારે આ પવનો નબળા પડી જાય છે અથવા તો ઉલટી દિશામાં ફૂંકાવા લાગે છે. આના કારણે સમુદ્રની સપાટીનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધુ વધી શકે છે. WMO (વર્લ્ડ મેટિઓરોલોજિકલ ઑર્ગેનાઈઝેશન)ના જણાવ્યા પ્રમાણે 2026માં આ ઘટના ઝડપથી મજબૂત થઈ રહી છે અને જુલાઈ-સપ્ટેમ્બર સુધીમાં મજબૂત અલ-નીનો બનવાની સંભાવના ખૂબ જ વધારે છે. આ અલ નીનો ગરમી અને વાતાવરણમાં અનિશ્ચિતતા વધારશે.
આ ઘટના માત્ર સમુદ્ર પૂરતી સીમિત નથી રહેતી. તે સમગ્ર વિશ્વના પવનની દિશા, વરસાદની પેટર્ન અને તાપમાનમાં મોટો ફેરફાર લાવી દે છે. અલ-નીનો દરમિયાન ગરમ પાણી વાતાવરણમાં વધુ ગરમી છોડે છે, જેના કારણે વૈશ્વિક તાપમાનમાં વધુ વધારો થાય છે. વર્તમાન આબોહવા પરિવર્તન(ક્લાઈમેટ ચેન્જ)ની સ્થિતિ વચ્ચે આ ઘટના વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.
અલ-નીનો મજબૂત થવાના કારણે વિશ્વના ઘણા વિસ્તારોમાં આકરા હવામાનનો પ્રકોપ વધશે. WMOના રિપોર્ટ પ્રમાણે દુષ્કાળ અને ભારે વરસાદ બંનેની સંભાવના વધી જશે. પ્રશાંત (પેસિફિક) મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ભારતીય ઉપખંડ, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, ઉત્તર દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના કેટલાક ભાગોમાં ઓછો વરસાદ અથવા દુષ્કાળની આશંકા છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં વધુ વરસાદ અને તેના ઉત્તરીય ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
ભારતમાં ચોમાસું નબળું પડવાની સંભાવના રહે છે. અલ-નીનોના વર્ષોમાં મોટાભાગે ઓછો વરસાદ પડે છે, જેના કારણે કૃષિ ક્ષેત્ર પ્રભાવિત થાય છે. આ ઉપરાંત હીટવેવનું પ્રમાણ વધી શકે છે, જેને લીધે હીટ સ્ટ્રોક, ડીહાઈડ્રેશન અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ વધશે. આ દરમિયાન દરિયાઈ ગરમીના મોજા પણ વધશે, જે મત્સ્યોદ્યોગ અને દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડશે.
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
