<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

સૂર્યનો પ્રકોપ: હીટવેવ હવે માનવજાત અને વનસ્પતિ માટે ‘સાઇલન્ટ કિલર’: ધરતી બની રહી છે અગનભઠ્ઠી

ન સહેવાય, ન રહેવાય: આકરા તાપથી માત્ર માણસો જ નહીં, વનસ્પતિ પણ ‘ઝેર’ ઓકવા લાગી: ખેતીના પાકને મરણતોલ ફટકો:હીટવેવની ભીષણ અસરોથી ઇકોસિસ્ટમ ખોરવાઈ જવાની વૈજ્ઞાનિકોની ચેતવણી

નવી દિલ્હી: સમગ્ર દેશમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ હીટવેવની આકરી અસરો જોવા મળી રહી છે. હવામાન વિભાગના અહેવાલો મુજબ, વધતું જતું તાપમાન હવે માત્ર અગવડતા નહીં, પણ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે એક નવું અને મોટું જોખમ બનીને ઉભરી રહ્યું છે. કાળઝાળ ગરમીને કારણે જનજીવન તો અસ્તવ્યસ્ત થયું જ છે, પરંતુ તેની સૌથી વધુ વિપરીત અસર મૂંગી વનસ્પતિ અને ખેતી પર પડી રહી છે.

વૈજ્ઞાનિકોના મતે, જ્યારે પારો ૪૫ ડિગ્રી વટાવે છે ત્યારે વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને છોડ સુકાવા લાગે છે, જેની સીધી અસર અન્ન ઉત્પાદન પર પડી શકે છે. બીજી તરફ, રાત્રિના તાપમાનમાં પણ ઘટાડો ન થતા માનવ શરીરને જરૂરી ઠંડક મળતી નથી, જેના કારણે હીટસ્ટ્રોક અને ગંભીર બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. જંગલોમાં લાગેલી આગ અને પીવાના પાણીની અછતે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. જો પૃથ્વીના તાપમાનમાં આ જ રીતે વધારો થતો રહ્યો તો આવનારા વર્ષોમાં ‘જીવવું’ એ સૌથી મોટો પડકાર બની જશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મે મહિના સુધીમાં અનેક શહેરોનું તાપમાન સરેરાશ ૪થી આઠ ડિગ્રી વધી જવાની શક્યતા વચ્ચે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, યુપી, ઓડિશા, તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ઝારખંડ  જેવા રાજ્યોમાં હીટવેવ એલર્ટ અપાયું છે. અમરાવતી, વર્ધા, નાગપુર, દિલ્હી સહિતના અનેક શહેરોમાં તાપમાન બે દિવસમાં જ ત્રણથી ચાર ડિગ્રી વધી જતાં લોકોને અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો. ઉત્તર પ્રદેશના બાંદામાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રી નોંધાયો હતો. મધ્યપ્રદેશના નર્મદાપુરમ્ ૪૩ ડિગ્રીથી શેકાયું હતું. છત્તીસગઢમાં આકરી ગરમીના કારણે શાળાઓમાં ૧૧ દિવસની રજા આપી દેવામાં આવી છે. મધ્યપ્રદેશના ઘણાં જિલ્લાઓમાં બપોરને બદલે શાળાઓનો સમય સવારે કરી દેવાયો છે અને સમય પણ ઘટાડાયો છે. 

(5:21 PM IST)