તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો નવો આકરો મોરચો, સમુદ્ર માર્ગે પસાર થતા તમામ જહાજો માટે પરમિટ અને ઇન્શ્યોરન્સ ફરજિયાત: તેહરાનના નવા નિયમોથી વૈશ્વિક વેપાર જગતમાં ફફડાટ:ઓઇલ સપ્લાય ખોરવાવાની ભીતિ
નિયમોનો ભંગ કરનાર આંતરરાષ્ટ્રીય ટેન્કરોને જપ્ત કરવાની ઈરાનની ખુલ્લી ચેતવણી:અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં ભારે હલચલ: ગ્લોબલ શિપિંગ કોસ્ટમાં તોતિંગ વધારો થવાના એંધાણ

નવી દિલ્હી: વૈશ્વિક તેલ વ્યાપારના સૌથી મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ દરિયાઈ માર્ગ (Strait of Hormuz) પર ઈરાને પોતાનો પાવર વધારવા માટે અત્યંત આકરો અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. વૈશ્વિક શિપિંગ એસોસિએશન અને મિલિટરી વિજિલન્સ ડેસ્ક રિપોર્ટ મુજબ, ઈરાન સરકારે સત્તાવાર જાહેરાત કરી છે કે હવેથી હોર્મુઝ સ્ટ્રેટના દરિયાઈ ક્ષેત્રમાંથી પસાર થતા દરેક નાના-મોટા કાર્ગો જહાજ અને ઓઇલ ટેન્કર માટે ઈરાન પ્રશાસનની પૂર્વ મંજૂરી (Permit) અને માન્ય મેરિટાઇમ ઇન્શ્યોરન્સ દસ્તાવેજો ફરજિયાત રહેશે. ઈરાનના આ આક્રમક પગલાથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવો પર સીધી અસર પડવાની સંભાવના છે, કારણ કે આ રૂટ પરથી રોજ લાખો બેરલ તેલ ખાડી દેશોમાંથી દુનિયાભરમાં જાય છે.
દુનિયાના સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગોમાંથી એક એવા હોર્મુઝ સ્ટ્રેટમાંથી વૈશ્વિક તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ(LNG)નો લગભગ 20% હિસ્સો પસાર થાય છે. આવી સ્થિતિમાં ઈરાનનો આ નવો આદેશ આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓ અને વૈશ્વિક વેપાર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે આ નવા નિયમોનો હેતુ 3 મહિનાથી વધુ સમય સુધી ચાલેલા સંઘર્ષ બાદ આ રૂટ પર કોમર્શિયલ જહાજોની સુરક્ષાને વધુ મજબૂત કરવાનો છે.
આ સમગ્ર સિસ્ટમને સંભાળવા અને નવા નિયમોને જમીન પર ઉતારવા માટે ઈરાને એક નવી સંસ્થાની રચના કરી છે, જેને 'પર્શિયન GULF સ્ટ્રેટ ઑથોરિટી' (PGSA) નામ આપવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ ઑથોરિટીનું નિર્માણ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે થયેલા એ જ કરાર હેઠળ કરવામાં આવ્યું છે, જેના પછી 3 મહિનાથી બંધ પડેલા આ રસ્તાને ફરીથી શરૂ કરવા પર સહમતિ બની હતી.
ઑથોરિટીએ સત્તાવાર રીતે સ્પષ્ટ કર્યું છે કે 'ઇસ્લામાબાદ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ' પર હસ્તાક્ષર થયા બાદ અને સંબંધિત વિભાગો તરફથી સૂચનાઓ મળ્યા પછી આ નિયમોને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી રહ્યા છે. હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા ઇચ્છતા તમામ અરજદારો અને જહાજોએ નિર્ધારિત સમય મર્યાદામાં નિયમોનું પાલન કરવું પડશે. આ માટે એક સત્તાવાર વેબસાઇટ પણ રજૂ કરવામાં આવી છે, જ્યાં જહાજોએ પોતાની એન્ટ્રી નોંધાવવાની રહેશે.
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
