News of Friday, 24th July 2026
વૈશ્વિક અર્થતંત્રમાં ફરી ટ્રેડ વોરનું ભૂત ધૂણ્યું: પ્રમુખ ટ્રમ્પે ભારત સહિત ૬૦ દેશો પર ૧૦થી ૧૨.૫ ટકા ટેરિફ ઝીંક્યો
અમેરિકાના આકરા આર્થિક નિર્ણયથી ગ્લોબલ માર્કેટમાં કંપારી: ભારતીય નિકાસકારો અને શેરબજાર પર વિપરીત અસરની ભીતિ

નવી દિલ્હી: વિશ્વભરના દેશો વચ્ચે વેપાર ક્ષેત્રે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટ્રેડ વોરનો નવો વિસ્ફોટ કર્યો છે; પોતાના દેશના સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ઘટાડવાના બહાના હેઠળ ટ્રમ્પ તંત્ર દ્વારા ભારત સહિત વિશ્વના ૬૦થી વધુ દેશોમાંથી આવતી વિવિધ ચીજવસ્તુઓ પર ૧૦ ટકાથી લઈને ૧૨.૫ ટકા સુધીનો જંગી ટેરિફ (આયાત ડ્યુટી) ઝીંકી દેવાનો આકરો નિર્ણય લેવામાં આવ્યો છે; અમેરિકાના આ એકતરફી અને કડક વલણના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર જગતમાં ભારે સનાટો છવાઈ ગયો છે; ભારતમાંથી અમેરિકા ખાતે નિકાસ થતા આઈટી, ટેક્સટાઈલ, ફાર્મા અને એન્જિનિયરિંગ ક્ષેત્રના ઉત્પાદનો પર આ નિર્ણયની સીધી ને નકારાત્મક અસર પડી શકે છે; આ તરફ ટેરિફના સમાચાર વાયરલ થતાં જ વૈશ્વિક શેરબજારો સાથે ભારતીય શેરબજારમાં પણ મોટા ગાબડાં પડ્યા છે અને આગામી દિવસોમાં અન્ય દેશો પણ વળતા પ્રહાર રૂપે ટેરિફ ઝીંકશે તો વૈશ્વિક મંદી ઘેરી બનવાની ભીતિ સેવાઈ રહી છે.
ફેડરલ રજિસ્ટર નોટિસ અનુસાર, આ નવો ટેરિફ શુક્રવારે રાત્રે 12.01 વાગ્યે EDT (ભારતીય સમય મુજબ શનિવારે સવારે 9.31 વાગ્યે) થી લાગુ થઈ જશે, જે આ સમયે જ પૂરા થઈ રહેલા અસ્થાયી 10% ગ્લોબલ ટેરિફનું સ્થાન લેશે.
નવી નીતિ હેઠળ ભારતને 10% ના ટેરિફ સ્લેબમાં રાખવામાં આવ્યું છે. ભારત ઉપરાંત બ્રિટન, કેનેડા, મેક્સિકો, આર્જેન્ટિના, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા 18 દેશો પર 10% જકાત લાગશે.
બીજી તરફ, યુરોપિયન યુનિયન (EU), જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન અને સ્વિટ્ઝરલેન્ડ પર 10% થી 12.5% નો સંયુક્ત ટેરિફ લાગુ થશે, જ્યારે ચીન સહિત બાકીના 38 દેશોએ 12.5% નો ટેરિફ ચૂકવવો પડશે.
અગાઉ ફેબ્રુઆરી મહિનામાં યુએસ સુપ્રિમ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન દ્વારા ઇમરજન્સી પાવર્સ હેઠળ લાદવામાં આવેલા 10% થી 50% ના 'રેસિપ્રોકલ ટેરિફ' ને રદ કરી દીધા હતા. તેથી, આ વખતે ટ્રમ્પ સરકારે 1974 ના ટ્રેડ એક્ટની કલમ 301 (Section 301) નો ઉપયોગ કર્યો છે, જેથી આ નિર્ણયને કોર્ટમાં સહેલાઈથી પડકારી ન શકાય.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
