<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

જેવા સાથે તેવાઃ પહેલા કિડની આપી જીવ બચાવ્‍યો, પત્‍ની બેવફા નીકળતા પતિએ કિડની પાછી માગીઃ નહીંતર રુપિયા આપો

અમેરિકાનો એક અનોખો છૂટાછેડાનો કિસ્‍સો

ન્‍યૂયોર્ક તા.૧૭: અમેરિકાનો એક અનોખો છૂટાછેડાનો કિસ્‍સો વર્ષો પછી પણ લોકોની વચ્‍ચે ચર્ચાનો વિષય બનેલો છે. આ કેસમાં એક ડોક્‍ટરે પોતાની પત્‍નીનો જીવ બચાવવા માટે તેણે પોતાની એક કિડની દાનમાં આપી દીધી હતી. પણ થોડા વર્ષો બાદ જ્‍યારે પત્‍નીએ છૂટાછેડાની અરજી દાખલ કરી તો ડોક્‍ટરે કોર્ટમાં એવી માગ રાખી જેણે આખી દુનિયાનું ધ્‍યાન પોતાના તરફ ખેંચ્‍યું. તેણે કોર્ટને કહ્યું કે, કાં તો દાનમાં આપેલી કિડની પાછી અપાવો અથવા તેની કિમત તરીકે ૧૪,૪૫,૦૪,૩૦૦ રૂપિયા (૧.૫ મિલિયન ડોલર)નું વળતર અપાવો.

આ કિસ્‍સો અમેરિકાના લોંગ આઈલેન્‍ડ, ન્‍યૂયોર્કનો છે. જ્‍યાં ડોક્‍ટર રિચર્ડ બતિસ્‍તા અને તેની પત્‍ની ડોનેલ બતિસ્‍તાની વચ્‍ચે છૂટાછેડાની કાર્યવાહી લાંબા સમયથી ચર્ચામાં રહી હતી. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, રિચર્ડ બતિસ્‍તા અને ડોનેલના લગ્ન વર્ષ ૧૯૯૦માં થયા હતા. લગ્નના થોડા વર્ષો બાદ ડોનેલની કિડની ગંભીર રીતે ખરાબ થઈ ગઈ. તેનો જીવ બચાવવા માટે વર્ષ ૨૦૦૧માં રિચર્ડે પોતાની એક કિડની પત્‍નીને દાનમાં આપી દીધી. ઓપરેશન સફળ રહ્યું અને ડોનેલનો જીવ બચી ગયો. પણ થોડા વર્ષો બાદ બંનેના સંબંધમાં ખટાશ આવી ગઈ.

૨૦૦૫માં પત્‍નીએ છૂટાછેડા માટે અરજી દાખલ કરીઃ રિપોર્ટ્‍સ અનુસાર, વર્ષ ૨૦૦૫માં ડોનેલ બતિસ્‍તાએ છૂટાછેડા માટે અરજી દાખલ કરી. ત્‍યાર બાદ બંને વચ્‍ચે કાનૂની વિવાદ શરુ થઈ ગયો. આ દરમ્‍યાન રિચર્ડ બતિસ્‍તાએ જાહેરમાં પોતાની નારાજગી વ્‍યક્‍ત કરી અને મીડિયા સામે પોતાની વ્‍યથા ઠાલવી હતી. તેણે કહ્યું હતું કે, તેણે પોતાની પત્‍નીને ખાલી દિલ જ નહીં પણ તેની જિદગી બચાવવા માટે પોતાની એક કિડની પણ દાનમાં આપી દીધી હતી. તેમ છતાં બદલામાં તેને વિશ્વાસઘાત મળ્‍યો. લોંગ આઈલેન્‍ડમાં પોતાના વકીલના કાર્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા ડો. રિચર્ડ બતિસ્‍તાએ કહ્યું કે, સાર્વજાનિક રીતે સામે આવવું તેની અંતિમ મજબૂરી હતી, કેમ કે છૂટાછેડાની પ્રક્રિયા ખૂબ જ ધીમી ચાલી રહી છે.

ડો. બતિસ્‍તાના વકીલ ડોમિનિક બારબરાએ જણાવ્‍યું કે, તેમના ક્‍લાઈન્‍ટ પ્રત્‍યારોપિત કિડની પાછી લેવા માગે છે. જો આવું શક્‍ય ન હોય તો તેની કિમત બરાબર ૧૫ લાખ ડોલરનું વળતર જોઈએ. જો કે આ માગ વધારે પ્રતીકાત્‍મક માનવામાં આવી, કેમ કે મેડિકલની દ્રષ્ટિએ ટ્રાંસફર કરેલી કિડનીને પાછી લેવી શક્‍ય નહોતી. વળી આ મામલામાં પત્‍નીનું નિવેદન પણ સામે આવ્‍યું. ડોનેલ બતિસ્‍તા તરફથી તેના વકીલે મીડિયાને જણાવ્‍યું કે, આ કેસમાં તથ્‍યો એવા નથી, જેવા ડો. રિચર્ડ બતિસ્‍તા રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોર્ટ સામે યોગ્‍ય સમયે તમામ સાચા તથ્‍યો રજૂ કરવામાં આવશે. જો કે તે સમયે પત્‍ની તરફથી લગાવવામાં આવેલા આરોપોનો વિસ્‍તૃત વિવરણ સામે નહોતું આવ્‍યું.

શું કાયદો આની મંજૂરી આપશે? કાનૂની નિષ્‍ણાતોનું કહેવું છે કે એક વાર કોઈ વ્‍યક્‍તિને સ્‍વેચ્‍છાથી દાનમાં આપેલા અંગ વૈવાહિક સંપત્તિ માનવામાં આવતી નથી. એટલા માટે છૂટાછેડાની સ્‍થિતિમાં ભાગલા અથવા વાપસી શક્‍ય નથી. આ જ કારણે કોર્ટે ટ્રાંસફર કરેલી કિડનીને પાછી આપવાનો આદેશ ન આપી શકે. અંગદાન ચિકિત્‍સા અને કાયદા બંનેની નજરમાં એક સ્‍થાયી અને સ્‍વેચ્‍છિક નિર્ણય માનવામાં આવે છે.

તાજેતરના દિવસોમાં આ જૂનો કેસ ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. કેટલીય પોસ્‍ટમાં દાવો કર્યો છે કે પત્‍નીએ કોઈ બીજા વ્‍યક્‍તિ માટે પતિને છોડી દીધો. જે બાદ પતિએ પોતાની કિડની પાછી માગી લીધી. જો કે, મળી રહેલા અનેક રિપોર્ટમાં દાવો કર્યો છેકે પત્‍નીએ બીજા પુરુષ માટે છૂટાછેડા લીધા હતા કે નહીં, તેવું સાબિત થયું નથી.

(9:52 AM IST)