તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
ઇન્ડોનેશિયામાં જહાજ પર આગ લાગી : પાંચનાં મોત:41 લાપતા
દરિયાની વચ્ચે મુસાફરોથી ભરેલા જહાજમાં અચાનક ભીષણ આગ ભભૂકી:બચાવ કામગીરી માટે નેવી અને હેલિકોપ્ટર તૈનાત

નવી દિલ્હી:ઇન્ડોનેશિયાના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક પેસેન્જર જહાજમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં ૫ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ૪૧થી વધુ મુસાફરો ગુમ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જહાજમાં આગ લાગતાં જ ચારેય તરફ ચીસાચીસ અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જીવ બચાવવા માટે કેટલાક મુસાફરોએ દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. ઘટનાની માહિતી મળતા જ ઇન્ડોનેશિયાઈ નેવી, તટરક્ષક દળ અને રેસ્ક્યૂ ટીમો હેલિકોપ્ટર તથા સ્પીડ બોટ સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા વચ્ચે મોટાપાયે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. દરિયામાં ગુમ થયેલા લોકોની શોધખોળ તીવ્ર બનાવી દેવામાં આવી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
મુટિયારા સેંટોસા-૨ નામના જહાજમાં સ્થાનિક સમય અનુસાર સવારે ૬ થી ૭ વાગ્યાની વચ્ચે આગ લાગી હતી. આ જહાજ પૂર્વી જાવા પ્રાંતનાં સુરાબાયાથી દક્ષિણ સુલાવેસીનાં મકાસર જઇ રહ્યું હતું. મદુરા દ્વીપ જાવાનાં ઉત્તર પૂર્વ કાંઠાની પાસે આવેલું છે. ઇન્ડોનેશિયાની નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી (બાસારનાસ)એ જણાવ્યું હતું કે આગ લાગવાનાં સમયે જહાજ પર ૨૭૧ લોકો સવાર હતાં. જેમાં ૨૩૨ યાત્રી અને ૩૯ ક્રૂ મેમ્બર સામેલ હતાં. બાસારનાસનાં જણાવ્યા અનુસાર જહાજ ઓપરેટર પીટી એટોસિમ લેમ્પંગ પેલયારને આગ લાગવાનાં એક કલાક પછી બચાવ દળને જાણ કરી હતી. તેમને કેપ્ટન પાસેથી જાણ થઇ હતી કે મદુરા દ્વીપનાં ઉત્તરી ભાગ પાસે જહાજમાં આગ લાગી હતી. ત્યારબાદ જહાજ સાથે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ અધિકારીઓએ પાસેનાં એક કાર્ગો જહાજથી સંપર્ક કરી જહાજનાં લોકેશનની માહિતી મેળવી હતી. જો કે આ કાર્ગો જહાજ આગ લાગેલા જહાજ પાસે જઇ શક્યું ન હતું કારણકે તેમાં દહનશીલ વસ્તુઓ હતી. બાસારનાસ દ્વારા જારી કરાયેલા વીડિયોમાં જહાજમાંથી કાળો ધુમાડો નીકળતો જોઇ શકાતો હતો. લાઇફ જેકેટ પહેરેલા યાત્રીઓ બચાવ ટીમની રાહ જોતા ડેક પર એકત્ર થયા હતાં.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
