તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
રશિયા-યુક્રેન મહાયુદ્ધમાં અંતરિક્ષમાંથી જાસૂસીનો સનસનાટીભર્યો ખેલ શરૂ: યુક્રેનના સૈનિકોનું સચોટ લોકેશન જાણવા રશિયાએ અંતરિક્ષમાં 'કોએન' સેટેલાઈટ લોન્ચ કરતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ
આકાશમાંથી દુશ્મન સેનાની દરેક હિલચાલ પર રશિયાની બાજનજર:યુદ્ધના મેદાનમાં તબાહી મચાવવા માટે રશિયાએ અવકાશમાં ગુપ્ત ઉપગ્રહ તરતો મૂકતા યુક્રેન અને નાટો દેશોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધે હવે અંતરિક્ષમાં પણ અત્યંત ખતરનાક વળાંક લીધો છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભારે ચિંતા અને સનસનાટી ફેલાઈ ગઈ છે. યુદ્ધના મેદાનમાં યુક્રેનના સૈનિકો અને સૈન્ય ઠેકાણાઓનું સચોટ લોકેશન મેળવવા માટે રશિયાએ અંતરિક્ષમાં 'કોએન' (Koen) નામનો અત્યંત આધુનિક જાસૂસી સેટેલાઈટ લોન્ચ કર્યો હોવાના અહેવાલો સામે આવતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હડકંપ મચી ગયો છે. રશિયાના આ વ્યૂહાત્મક પગલાથી યુદ્ધમાં વધુ ભયાનક તબાહી સર્જાવાની દહેશત ઉભી થઈ છે.
રશિયા-યુક્રેન વચ્ચે સામ-સામ હુમલા ચાલી રહ્યા છે. રશિયાએ છેલ્લાં થોડા દિવસમાં યુક્રેનને નિશાન બનાવીને ૨૩૦૦થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા. તેના જવાબમાં યુક્રેને પણ એક જ રાતમાં સેંકડો ડ્રોન હુમલા કર્યા હતા. રશિયન અધિકારીઓના દાવા પ્રમાણે કાળા સમુદ્રના રસ્તે તેમ જ જમીની માર્ગે રશિયાને નિશાન બનાવતા ૧૩૦૦ ડ્રોન હુમલાને નાકામ બનાવાયા હતા. એક જ રાતમાં રશિયન લશ્કરે યુક્રેનના ડ્રોન્સને તોડી પાડયા હતા. યૂરી સ્લ્યૂસરમાં યુક્રેનના હુમલાથી બે વીજળીના સ્ટેશનોને નુકસાન થયું હતું. એક એન્જિનિયરનું આ હુમલામાં મોત પણ થયું હતું. અનેકને ઈજા પહોંચી હતી. બીજી તરફ રશિયાએ હુમલા કર્યાનો દાવો યુક્રેને કર્યો હતો અને તેમાં શહેરોની ઘણી ઈમારતોને નુકસાન થયાનું અને લોકો ઈજાગ્રસ્ત બન્યાનું કહેવાયું હતું. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે છેલ્લાંં મહિનાઓમાં થયેલા યુક્રેનના હુમલાથી રશિયાને મોટો ફટકો પડયો છે. રશિયાની ૫૫ ટકા ઓઈલ રિફાઈનરી ક્ષમતા ઘટી ગઈ છે. ઝેલેન્સ્કીના કહેવા પ્રમાણે યુક્રેનની મિડલ રેન્જની મિસાઈલે રશિયાની ફ્રન્ટલાઈન ઓઈલ સપ્લાયને તબાહ કરી દીધી છે. જોકે, રશિયાએ આ દાવાનો ઈનકાર કર્યો હતો. દરમિયાન યુરોપિયન સંઘના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે રશિયા જાણી જોઈને યુક્રેન સાથેની શાંતિમંત્રણા થવા દેતુ નથી. કારણ કે આ યુદ્ધના કારણે પાવર પ્લાન્ટ્સને નુકસાન થઈ રહ્યું છે અને શિયાળો આવી રહ્યો હોવાથી રશિયા ઈચ્છે છે કે યુરોપમાં પાવર કટોકટી સર્જાય. રશિયા-યુક્રેને તુરંત સીઝફાયરના નિયમો પાળવા જોઈએ. યુરોપિયન સંઘના અન્ય નેતાઓએ પણ રશિયા-યુક્રેનનું યુદ્ધ હવે અટકાવવું જોઈએ એવી સલાહ આપીને ચિંતા વ્યક્ત કરી હતી. યુક્રેનના છુપાયેલા સૈનિકોનું એક્ઝેક્ટ લોકેશન જાણવા માટે રશિયાએ કોએન નામનો એક સેટેલાઈટ લોંચ કર્યો છે. તે ૫૦ સેન્ટીમીટર પ્રતિ પિક્સેલની ઈમેજ બનાવીને યુક્રેનના સૈનિકોનું લોકેશન જાણવામાં રશિયન આર્મીને મદદ કરશે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
