<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

આકાશમાં મોતની સેલ્ફી: પાયલોટને ફોટા પાડવાનો મોહ જાગ્યો ને બે વિમાનો વચ્ચે ભીષણ ટક્કર: હવામાં મચી ચીસાચીસ

સેલ્ફી બની જીવલેણ: પાયલોટે સંતુલન ગુમાવતા વિમાનો એકબીજા સાથે અથડાયા:સેંકડો મુસાફરોના જીવ અધ્ધર: ટેકનોલોજીના જમાનામાં પાયલોટની ઘોર બેદરકારીથી મોટી દુર્ઘટના: શું એવિએશન સેક્ટરમાં સેલ્ફી પર પ્રતિબંધ આવશે? તપાસનો ધમધમાટ

નવી દિલ્હી: આજકાલ સેલ્ફીનો ક્રેઝ માત્ર જમીન પર જ નહીં, પણ આસમાનમાં પણ જોખમી સાબિત થઈ રહ્યો છે. આકાશમાં હજારો ફૂટની ઉંચાઈ પર ઉડી રહેલા બે વિમાનો વચ્ચે થયેલી ટક્કરે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ ગમખ્વાર અકસ્માત પાછળ પાયલોટની એક નાનકડી પણ અક્ષમ્ય ભૂલ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાયલોટ હવામાં ઉડાન દરમિયાન સેલ્ફી લેવામાં મશગૂલ બની ગયો હતો, જેના કારણે તેનું ધ્યાન ભટક્યું હતું અને વિમાન પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે નજીકમાંથી પસાર થઈ રહેલા અન્ય એક વિમાન સાથે તેની પાંખ અથડાઈ હતી. આ ટક્કર બાદ બંને વિમાનોમાં સવાર મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને પ્લેનમાં ભારે ધ્રુજારી અનુભવાઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ વિમાનોને ભારે નુકસાન થયું છે. આંતરરાષ્ટ્રીય એવિએશન ઓથોરિટીએ પાયલોટનું લાયસન્સ રદ કરી દીધું છે અને આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. શું હવે કોકપીટમાં મોબાઈલ ફોન પર કડક નિયંત્રણો આવશે? તે જોવાનું રહ્યું.
દક્ષિણ કોરિયાના દેગુ શહેર પાસે વાયુસેનાના બે અત્યાધુનિક F-15K વિમાનો એક નિયમિત મિશન પર હતા. આ મિશન દરમિયાન વિંગમેન એરક્રાફ્ટના પાયલોટની તે યુનિટ સાથેની  છેલ્લી ફ્લાઇટ હતી. પોતાની આ છેલ્લી ઉડાનને હંમેશા માટે યાદગાર બનાવવાના હેતુથી પાયલોટે મિશન દરમિયાન જ ફોટા પાડવાનું નક્કી કર્યું હતું. નવાઈની બાબત છે કે, ઉડાન ભરતા પહેલાની બ્રીફિંગમાં પણ તેણે આ ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ કોઈએ તેને અટકાવ્યો નહીં. જ્યારે વિમાનો પોતાનું મિશન પૂરું કરીને બેઝ તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે આ પાયલોટે તેના અંગત મોબાઇલ ફોનથી ફોટા પાડવાનું શરૂ કર્યું હતું.
વિંગમેન પાયલોટને ફોટા પાડતો જોઈને, આગળ ચાલી રહેલા લીડ એરક્રાફ્ટના પાયલોટે પણ ઉત્સાહમાં આવીને તેના સાથી પાયલોટને વિંગમેન પ્લેનનો વીડિયો શૂટ કરવા સૂચના આપી. વીડિયોમાં વિમાન વધુ આકર્ષક દેખાય તે માટે વિંગમેન પાયલોટે અચાનક જ સુરક્ષાના તમામ નિયમો નેવે મૂકીને વિમાનને ઊંચું ઉડાવ્યું અને હવામાં ફ્લિપ (ઉલટું) કર્યું. આ જોખમી દાવપેચને કારણે બંને વિમાન વચ્ચેનું અંતર જોખમી રીતે ઘટી ગયું. ટક્કર ટાળવા માટે લીડ એરક્રાફ્ટે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થયો નહીં અને બંને વિમાન હવામાં જ એકબીજા સાથે ટકરાયા. આ ટક્કરમાં લીડ એરક્રાફ્ટની પાંખ અને વિમાનના પૂંછડીના ભાગ(ટેઇલ)ને ગંભીર નુકસાન થયું હતું.

 

(6:00 PM IST)