<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

યુક્રેનની રાજધાની કીવ પર રશિયાનો પ્રચંડ પ્રહાર: મહાવિનાશક હાયપરસોનિક મિસાઇલ ઝીંકી મચાવી ભારે તબાહી: કીવમાં કચ્ચરઘાણ

એર ડિફેન્સ સિસ્ટમ પણ થઈ લાચાર:આકાશમાંથી વરસ્યો મોતનો પયગામ: અનેક સૈન્ય મથકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિનિટોમાં ખાખ:પુતિનની નવી રણનીતિથી વૈશ્વિક સ્તરે ભારે ગરમાવો

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલું લોહિયાળ યુદ્ધ હવે અત્યંત ખતરનાક અને વિનાશક વળાંક પર પહોંચી ગયું છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના આદેશથી રશિયન સેનાએ યુક્રેનના હૃદય ગણાતા કીવ શહેરને નિશાન બનાવીને પોતાની સૌથી આધુનિક અને અજેય ગણાતી હાયપરસોનિક મિસાઇલો (જેમ કે કિંઝલ અથવા ઝિર્કોન) નો મારો ચલાવ્યો છે. અવાજ કરતાં પણ પાંચ ગણી વધુ ઝડપે ત્રાટકતી આ મિસાઇલોના કારણે યુક્રેનનું મજબૂત ગણાતું એર ડિફેન્સ નેટવર્ક પણ તેને રોકવામાં સાવ નિષ્ફળ સાબિત થયું હતું.
યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમે ૫૪૯ ડ્રોન અને ૫૫ મિસાઇલોને નષ્ટ કરી હતી અથવા જામ કરી હતી. એરફોર્સે જણાવ્યું હતું કે લગભગ ૧૯ મિસાઇલો પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી.
અલ્બાનિયાનાં વિદેશ પ્રધાન ફેરિક હોક્સાએ જણાવ્યું હતું કે આ હુમલા દરમિયાન યુક્રેનમાં અલ્બાનિયાનાં રાજદૂતનાં રહેઠાણ ઉપર પણ હુમલો થયો હતો. તેમણે આ હુમલાને અસ્વીકાર્ય અને ગંભીર તંગદિલી ગણાવી તેની નિંદા કરી હતી.
ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ઓરેશનિક મિસાઇલ જે પરમાણુ અથવા પારંપરિક વોરહેડ લઇ જવામાં સક્ષમ છે તેણે કીવ ક્ષેત્રનાં બિલા ત્સેરકવા શહેર પર હુમલો કર્યો હતો.
બીજી તરફ સ્થાનિક અધિકારીઓએ રવિવાર સવારે જણાવ્યું હતું કે યુક્રેનની સરહદે આવેલા બેલગોરોદ વિસ્તારનાં રશિયન શહેર ગ્રેવોરોનમાં એક યુક્રેની ડ્રોન હુમલામાં એક સામાન્ય નાગરિકનું મોત થયું હતું.
રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમની સેનાઓએ શનિવાર અને રવિવાર વચ્ચેની રાત દરમિયાન યુક્રેનનાં ૩૩ ડ્રોન તોડી પાડયા હતાં કે જામ કરી દીધા હતાં. જેમાં મોસ્કો ક્ષેત્ર, પશ્ચિમી અને દક્ષિણ પશ્ચિમી રશિયા અને રશિયાનાં કબજાવાળા ક્રિમિયાની ઉપર ઉડી રહેલા ડ્રોન સામેલ હતાં.

 

(6:01 PM IST)